×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાલાસોરમાં 1000 મજૂરો હટાવી રહ્યા છે કાટમાળ, 90 ટ્રેન રદ, સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા પહોંચ્યા

image : Twitter


બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત અને રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેકને રિપેર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હાવડા-ચેન્નઈ રૂટ પરની 90 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 46નો રૂટ બદલવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર સોમવાર (5 જૂન) સુધીમાં ટ્રેકનું સમારકામ પૂરું થવાની ધારણા છે. જ્યારે આજે (4 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓડિશા પહોંચી ગયા છે અને તેઓ  ઘાયલોની મુલાકાત લેવાના છે. 

આખી રાત રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સમારકામનું નિરીક્ષણ કર્યું  

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર  આખી રાત ચાલી રહેલા સમારકામના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બાલાસોરમાં એક હજારથી વધુ મજૂરો આખી રાત કાટમાળ હટાવતા રહ્યા. રેલ્વે મંત્રીએ કાટમાળ હટાવવાના કામમાં લાગેલા કર્મચારીઓને ગાઈડલાઈન આપી હતી. 7 પોલ્કેન મશીન, 5 જેસીબી અને 2 મોટી ક્રેઈનથી કાટમાળ હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

યુદ્ધના ધોરણે ચાલી રહી છે કામગીરી 

શનિવારે રાત્રે એક તરફ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તો બીજી તરફ પાટા નાખવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. શક્ય તેટલી વહેલી તકે ટ્રેન સેવાઓ સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 288 થઈ ગઈ છે. તે જ સમયે, અકસ્માત બાદ કુલ 1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 793 લોકોને રજા આપવામાં આવી છે જ્યારે 382 લોકોની સારવાર ચાલી રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, બે લોકોની હાલત પણ ગંભીર છે, જ્યારે અન્ય લોકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. બંને એક્સપ્રેસ ટ્રેનોમાં રિઝર્વેશન ટિકિટ સાથે 2,200 થી વધુ મુસાફરો યાત્રા કરી રહ્યા હતા.