×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાંગ્લાદેશમાં ફરી કોમી રમખાણોમાં ત્રણ હિન્દુનાં મોત, વધુ મંદિરો પર હુમલા


ઢાકા, તા. ૧૬
બાંગ્લાદેશમાં કથિત રીતે કુરાનના અપમાન મુદ્દે શનિવારે ફરી એક વખત હિંસા ફાટી નીકળી હતી, જેમાં બે હિન્દુઓના મોત નીપજ્યાં હતાં. આ સાથે કુરાનના અપમાન મુદ્દે પડોશી દેશમાં થયેલી હિંસામાં કુલ મૃત્યુઆંક છ થયો હતો. બીજીબાજુ ઈસ્કોન મંદિરે પણ ૨૦૦થી વધુના ટોળાએ મંદિર પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. મંદિરના પુજારીની લાશ નજીકના એક તળાવમાંથી મળી હોવાનો દાવો કરાયો હતો. ઉપરાંત મુન્શીગંજમાં અરાજક તત્વોએ એક મંદિરમાં છ મૂર્તિઓ તોડી નાંખી હતી.
દુર્ગા પૂજા સમારંભ દરમિયાન કથિત રીતે એક હિન્દુ દેવતાના ઘૂંટણ પર કુરાન મૂકાયું હોવાના ફૂટેજ સામે આવ્યા પછી બુધવારે દેખાવો શરૂ થયા હતા, જેણે થોડાક જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ચાર લોકોના મોત નીપજ્યાં હતાં. જોકે, આ ઘટના પછી સરકારે સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક ૨૨ જિલ્લામાં અર્ધલશ્કરી દળોને નિયુક્ત કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, તાજા હિંસા દક્ષિણી શહેર બેગમગંજમાં થઈ હતી. દુર્ગા પૂજાના અંતિમ દિવસે શુક્રવારની નમાજ પછી સેંકડો મુસ્લિમોએ રસ્તા પર જુલુસ કાઢ્યું હતું. હિન્દુઓ ૧૦ દિવસના દુર્ગા પૂજા ઉત્સવનું સમાપન કરી રહ્યા હતા તેવા સમયે ૨૦૦થી વધુ દેખાવકારોના ટોળાએ નોઆખલીના ઈસ્કોન મંદિર પર હુમલો કર્યો હતો અને મંદિરમાં ભારે તોડફોડ કરી હતી. હુમલાખોરોએ મંદિર સમિતિના એક કાર્યકારી સભ્યની મારપીટ કરીને હત્યા કરી હતી તેમ સ્થાનિક પોલિસ સ્ટેશનના પ્રમુખ શાહ ઈમરાને કહ્યું હતું.


ઈસ્કોન મંદિરના સૂત્રોએ જણાવ્યું કે, શુક્રવારે ૨૦૦થી વધુ લોકોના ટોળાએ મંદિરમાં ઘૂસી તોડફોડ કરી હતી અને મંદિરના સભ્ય પાર્થ દાસની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. શનિવારે મંદિરની બાજુમાં એક તળાવ પાસેથી તેમનું શબ મળી આવ્યું હતું. શુક્રવારના હુમલા પછી બે લોકોના મોત થયા છે. અમે દોષિતોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કુરાનની ઘટના અંગે સોશિયલ મીડિયા પર ફૂટેજ સામે આવ્યા પછી આ સપ્તાહે આખા બાંગ્લાદેશમાં એક ડઝનથી વધુ જિલ્લાઓમાં હિન્દુ વિરોધી હિંસા ફેલાઈ છે. હાજીગંજમાં હિન્દુ મંદિર પર હુમલો કરનારા લગભગ ૫૦૦ લોકોના ટોળા પર પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં.
હિન્દુ સમુદાયના નેતા ગોવિંદ ચંદ્ર પ્રમાણિકે જણાવ્યું હતું કે દેશમાં ઓછામાં ઓછા ૧૫૦થી વધુ હિન્દુઓ ઘાયલ છે અને ૮૦થી વધુ અસ્થાયી મંદિરો પર હુમલા કરાયા છે. ૧૬.૯ કરોડની વસતીવાળા દેશમાં લઘુમતી હિન્દુઓ મોટાભાગે કોમી હિંસાનો શિકાર બને છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે દેશમાં અશાંતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અર્ધસૈનિક દળો સહિત વધારાની સુરક્ષા ટુકડી તૈનાત કરાઈ છે. શુક્રવારે રાજધાની ઢાકા અને ચટગાંવમાં હિંસા ફાટી નીકળી હતી, ત્યાર બાદ પોલીસે ઈંટો ફેંકનારા હજારો મુસ્લિમ દેખાવકારો પર અશ્રુવાયુના શેલ છોડયા હતા અને રબરની ગોળીઓ ચલાવી હતી.
દેશમાં વધુ હિંસા ફેલાતી રોકવા માટે હાઈ-સ્પીડ મોબાઈલ ફોન ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ હિન્દુ સમુદાયના નેતાઓને મળીને હુમલાખોરો અને હુમલાનું કાવતરું ઘડનારાઓ સામે આકરી કાર્યવાહીનું વચન આપ્યું હતું. ગૃહમંત્રી અસદુજ્જમાં ખાને કહ્યું હતું કે, કોમી રમખાણોની આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૯૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે.
દરમિયાન દેખાવકારોએ શનિવારે મુન્શિગંજના સિરાજદિખાન ઉપઝીલામાં રશુનિઆ યુનિયનમાં દાનિઆપારા મહાશોષણ કાલી મંદિરમાં છ મૂર્તિઓને તોડી પાડી હતી. મંદિર  સમિતિના મહામંત્રી દેવનાથ વાનુએ જણાવ્યું હતું કે, મુખ્ય દરવાજાનું લોક તોડી નંખાયું હતું અને મંદિરની બધી જ મૂર્તિઓ તોડી નંખાઈ હતી. હુમલાખોરોએ મોડી રાત્રે ૩થી ૪ વાગ્યે આ હુમલો કર્યો હતો.