×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બાંગ્લાદેશઃ ચટગાંવના કન્ટેનર ડિપોમાં આગ હોનારત, 33ના મોત


- આશરે 450 કરતાં પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી છે

ઢાકા, તા. 05 જૂન 2022, રવિવાર

બાંગ્લાદેશમાં ચટગાંવના સીતાકુંડા ઉપજિલ્લામાં શનિવારે રાતના સમયે એક ખાનગી ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં (ICD) ભીષણ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે 450થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. 

કદમરાસુલ વિસ્તારમાં બીએમ કન્ટેનર ડિપોના લોડિંગ પોઈન્ટની અંદર આગ લાગવાની ઘટના બની હતી. એક અહેવાલ પ્રમાણે કન્ટેનર ડિપોમાં કેમિકલના કારણે આગ ફાટી નીકળી હતી અને આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ વધારે ભયાનક બની ગઈ હતી. 

અન્ય કન્ટેનરમાં આગ ફેલાઈ

રાતે આશરે 9:00 વાગ્યાના સમયે આગ લાગવાની આ ઘટના બની હતી. ત્યાર બાદ 11:45 વાગ્યે ભયંકર વિસ્ફોટ થયો હતો અને કન્ટેનર્સમાં કેમિકલ હોવાના કારણે આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનર્સમાં ફેલાઈ ગઈ હતી. 


અગ્નિશામક દળના 19 એકમો તૈનાત

આગ હોનારતમાં 450થી પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી છે અને તે પૈકીના 350 જેટલા CMCHમાં છે. વિસ્ફોટના કારણે આજુબાજુના વિસ્તારોમાં હડકંપ મચી ગયો હતો અને લોકોના ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશામક વિભાગની 19 જેટલી ગાડીઓએ જહેમત હાથ ધરી છે અને 6 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તૈનાત છે. 

બીએમ કન્ટેનર ડિપો એક આંતર્દેશીય કન્ટેનર ડિપો તરીકે સ્થાપિત કરવામાં આવેલું છે અને તે મે 2011થી કાર્યરત છે. તાજેતરની દુર્ઘટનામાં મૃતકઆંક હજુ પણ ઉંચો જાય તેવી આશંકા જણાઈ રહી છે.