×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બસવરાજ બોમ્મઇ બનશે કર્ણાટકનાં મુખ્યપ્રધાન, સર્વસંમતીથી લેવાયો નિર્ણય

બેંગલુરૂ, 27 જુલાઇ 2021 મંગળવાર

બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ ખાલી પડેલા કર્ણાટકના મુખ્યપ્રધાન પદ પર હવે બસવરાજ બોમ્મઇ બેસશે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાં વિધાનસભા દળની બેઠકમાં તેમના નામ પર મહોર લાગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બોમ્મઇ યેદિયુરપ્પા સરકારમાં ગૃહ પ્રધાન હતા. યેદિયુરપ્પાનાં રાજીનામા બાદ જે નામોની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેમાં બોમ્મઇનું નામ મોખરે હતું.

ગૃહ પ્રધાનની સાથે-સાથે બોમ્મઇ કર્ણાટક સરકારમાં સંસદીય કાર્ય પ્રધાન અને કાયદા પ્રધાન પણ છે. તે લિંગાયત સમુદાયનાં છે. ભાજપે લિંગાયત સમુદાયમાંથી મુખ્ય પ્રધાન બનાવવાનું નક્કી કર્યું અને તેમના નામ પર સર્વસંમતિ થઈ.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યના જાતિના સમીકરણોમાં લિંગાયત સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવાની તૈયારી ચાલી રહી હતી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે યેદિયુરપ્પા કોઇ અન્ય સમુદાયને આ મુખ્ય પ્રધાન પદ આપવા માટે ઉત્સુક હતાં. યેદિયુરપ્પા પોતે જ લિંગાયત સમુદાયમાંથી આવે છે અને આ સમાજના સૌથી મોટા મઠનું તેમને સમર્થન પ્રાપ્ત હતું. સુત્રોના જણાવ્યા અનુસાર યેદિયુરપ્પાના પુત્ર વાયબી વિજયેન્દ્રને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી શકે છે. વિજયેન્દ્ર હાલમાં ઉપપ્રમુખ છે.

આ ઉપરાંત સીએમ પદ માટે બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, વિશ્વેશ્વરા હેગડે કગેરીના નામની પણ ચર્ચા થઈ હતી. લિંગાયત સમુદાયમાંથી આવતા મુરગેશ નિરનઈનું નામ પણ આ રેસમાં હતું.