×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બધા જ રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ : કોરોનાના નવા ૧.૭૫ લાખ કેસ


નવી દિલ્હી, તા.૮
દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે બધા જ રાજ્યોમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી ફેલાવાના કારણે દૈનિક કેસમાં અસાધારણ ઉછાળો સામે આવી રહ્યો છે તેમ લેટેસ્ટ ડેટા પરથી જણાયું છે. કેટલાક દિવસ સુધી દેશના પશ્ચિમ ભાગમાં ઓમિક્રોનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઓડિશા સહિત ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે કેસ વધી રહ્યા છે. જોકે, તાજા ડેટા મુજ પૂર્વીય રાજ્યોમાં પણ ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે.
દેશમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરી એક વખત કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ૧.૭૫ લાખથી વધુ નોંધાયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ પણ વધીને પાંચ લાખને પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૨૫ ટકાથી વધુનો ઊછાળો નોંધાયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં વિસ્ફોટ સતત ચોથા દિવસે પણ યથાવત્ રહ્યો છે. આ સાથે મહારાષ્ટ્ર ફરી એક વખત કોરોના સંક્રમણની બાબતમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૧,૪૩૪ નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૧૩ લોકોનાં મોત નીપજ્યાં હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૧૩૩ દર્દી નોંધાયા છે. આ સાથે ઓમિક્રોનના કુલ કેસ ૧૦૦૯ થયા છે. બીજીબાજુ મુંબઈમાં પણ ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે અને શનિવારે સતત બીજા દિવસે કોરોનાના ૨૦,૦૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે અને પાંચ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને પગલે રાજ્ય સરકારે આખા રાજ્યમાં સવારે ૫થી રાતે ૧૧ સુધી પાંચથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. વધુમાં આખા રાજ્યમાં નાઈટ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જીમ અને બ્યુટી સલૂન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવાયો છે. સરકારે ખાનગી ઓફિસોને ૫૦ ટકા ક્ષમતા સાથે ચલાવવા જણાવ્યું છે. એ જ રીતે રેસ્ટોરાં, શોપિંગ મોલ્સ અને ઓડિટોરિયમ્સને પણ ૫૦ ટકા ક્ષમતા સાથે ચલાવવા જણાવાયું છે. સરકારે મનોરંજન પાર્ક, ઝૂ, મ્યુઝીયમ, અને બધા જ પ્રવાસન સ્થળો બંધ કરી દીધા છે. રાજ્યમાં નાઈટ કરફ્યૂ અગાઉથી જ લાગુ કરી દેવાયો છે.
દિલ્હીમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના ૨૦,૧૮૧ નવા કેસ નોંધાયા છે અને ૭ લોકોના મોત નીપજ્યાં છે. દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના કેસમાં ૩,૦૦૦નો વધારો થયો હતો. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૪૮,૧૭૮ ઉપર પહોંચી ગઈ છે. ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસ ૬,૦૦૦ને પાર થઈ ગયા છે. નવા કેસ સામે આવ્યા પછી કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા ૧૮,૫૫૧ થઈ ગઈ છે.
બંગાળમાં કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. અહીં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૮,૮૦૨ કેસ સામે આવ્યા છે. કોલકાતામાં જ કોરોનાના ૭,૩૩૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવિટી દર ૨૯.૬૦ ટકા થયો છે. તામિલનાડુમાં પણ કોરોનાના સંક્રમિત કેસ ૧૧,૦૦૦ જેટલા નોંધાયા છે. ચેન્નઈમાં ૫,૦૯૮, ચેંગલપટ્ટુમાં ૧૩૩૨ કેસ નોંધાયા છે.