×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બજેટ સત્ર : અદાણી મુદ્દે સરકાર ઘેરાઈ, વિપક્ષનો હોબાળો, બંને ગૃહો 2 વાગ્યા સુધી સ્થગિત

image : Twitter


નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી, 2023, સોમવાર

અદાણીનો મામલો ફરીવાર સંસદમાં ગૂંજ્યો છે. આ દરમિયાન બજેટ સત્ર શરૂ થતાં જ અદાણી મામલે વિપક્ષી દળોના તમામ નેતા સંસદ પરિસરમાં આવેલી ગાંધી પ્રતિમાની સામે એકજૂટ થયા હતા અને દેખાવ કર્યા હતા. ત્યારબાદ બજેટ સત્ર શરૂ થતા જ રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોમાં વિપક્ષી એકજૂટ થઇને સરકારને ઘેરી હતી અને ભારે હોબાળો મચાવતા બંને ગૃહોને 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. 

ટીએમસી વિપક્ષની બેઠકમાં ગેરહાજર  

અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેના નેતૃત્વમાં આયોજિત વિપક્ષી દળોની બેઠકમાં પણ અદાણી મુદ્દે ચર્ચા કરાવવાની માગ સંબંધિત નિર્ણય લેવાયો હતો. બધા પક્ષો ઈચ્છે છે કે સંસદમાં અદાણીનો જ મુદ્દો ઊઠાવવામાં આવે. તેઓ આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ ઈચ્છે છે. તમને જણાવી દઈએ મમતા બેનરજીની ટીએમસીએ આ બેઠકથી કિનારો કરી લીધો હતો. 

સંજય રાઉતે શું કહ્યું જાણો..

દરમિયાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે દેશને ડૂબાડવાનો મામલો જે સામે આવ્યો છે તેને લઈને તમામ વિપક્ષી દળો ચર્ચા કરવા તૈયાર છે. મને લાગે છે કે જ્યાં સુધી સરકાર જવાબ નહીં આપે ત્યાં સુધી જેપીસી સંબંધિત માગ ચાલુ રખાશે. તે પહેલા અદાણી ગ્રૂપ અંગેના હિન્ડેનબર્ગ રિપોર્ટ પર ચર્ચા માટે બીઆરએસ સાંસદ નાગેશ્વર રાવે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો હતો.