×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'બજરંગ બલી પાસે બજરંગ દળની ભાષા બોલાવડાવી', છત્તીસગઢના CMના આદિપુરુષને બેન કરવાના સંકેત

image : Twitter


આદિપુરુષ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે, પરંતુ તેની સાથે વિવાદોનો મધપૂડો પણ લઈને આવી છે. આરોપ છે કે ફિલ્મ મર્યાદા પુરુષોત્તમ રામ અને રામાયણની મૂળ ભાવનાની મજાક ઉડાવે છે. દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને ફિલ્મના કેટલાક ભાગોને હટાવવાની માંગ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે આદિપુરુષના બજરંગ બલીથી બજરંગ દળની ભાષા બોલાવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મૂક્યો આ આરોપ 

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ ‘આદિપુરુષ’માં ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો લોકો માંગ કરશે તો કોંગ્રેસ સરકાર રાજ્યમાં તેના પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે ફિલ્મના સંવાદો વાંધાજનક અને અભદ્ર છે.

'છબી બદલવાનો પ્રયાસ'

અહેવાલ અનુસાર જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે શું રાજ્ય સરકાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકશે તો બઘેલે કહ્યું, "જો લોકો આ દિશામાં માંગ ઉઠાવશે તો સરકાર તેના વિશે વિચારશે. આપણા તમામ દેવોની છબિને ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે ભગવાન રામ અને ભગવાન હનુમાનના કોમલ ચહેરાને ભક્તિમાં તરબોળ જોયા છે પણ ગત કેટલાક વર્ષોથી આ છબિને બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. 

'રામ અને હનુમાનને એંગ્રીબર્ડ તરીકે દર્શાવવામાં આવ્યા'

બઘેલે કહ્યું કે હનુમાનને બાળપણથી જ જ્ઞાન, શક્તિ અને ભક્તિના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ આ ફિલ્મમાં ભગવાન રામને 'યુદ્ધક' (યોદ્ધા) તરીકે દર્શાવવામાં આવ્યા છે. રામ અને હનુમાનને એંગ્રી બર્ડ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ન તો આપણા વડવાઓએ ભગવાન હનુમાનની આવી છબિની કલ્પના કરી હતી અને ન તો આપણો સમાજ તેને સ્વીકારે છે."

'બજરંગ બલી પાસે બજરંગ દળની ભાષા બોલાવડાવામાં આવી'

સીએમનો આરોપ છે કે આ ફિલ્મમાં ભગવાન બજરંગ બલી પાસે બજરંગ દળની ભાષા બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું, "પોતાને ધર્મના રક્ષક ગણાવતા રાજકીય પક્ષોના લોકો આ ફિલ્મ પર કેમ ચૂપ છે? 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'ધ કેરળ સ્ટોરી' પર નિવેદન આપનારા ભાજપના નેતાઓ 'આદિપુરુષ' પર કેમ ચૂપ છે? કંઇ બોલતા કેમ નથી?