×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળ હિંસાઃ TMC કાર્યકરો પર ગેંગરેપનો આરોપ, મહિલાઓએ ખખડાવ્યા SCના દ્વાર


- અરજીકર્તા મહિલાઓમાં એક 60 વર્ષીય વૃદ્ધ મહિલા પણ સામેલ, 6 વર્ષના પૌત્ર સામે જ થયો અત્યાચાર

નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર

પશ્ચિમ બંગાળ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની કેટલીક મહિલાઓએ વિધાનસભા ચૂંટણી બાદ થયેલી હિંસા દરમિયાન પોતાના સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાનો દાવો કર્યો છે. આ મામલે ન્યાય માટે મહિલાઓએ સુપ્રીમ કોર્ટના દરવાજે ટકોરા માર્યા છે. મહિલાઓએ હિંસા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ટીએમસીની જ સરકાર છે અને પીડિતાઓને રાજ્ય સરકાર પાસેથી ન્યાય મળશે તેવી કોઈ આશા નથી જેથી તેમણે ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. 

પીડિત મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં ગોધરા હત્યા કાંડ બાદ સર્વોચ્ય ન્યાયાલય દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટના મોનિટરિંગમાં બંગાળમાં થયેલી ગેંગરેપ અને હિંસાની ઘટનાઓની એસઆઈટી દ્વારા તપાસ કરાવવા માંગણી કરી છે. 

60 વર્ષીય વૃદ્ધા સાથે ગેંગરેપ

અરજીકર્તા મહિલાઓમાં એક 60 વર્ષીય વૃદ્ધ મહિલા પણ છે. તેમણે જણાવ્યું કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સત્તારૂઢ તૃણમૂલના 5 કાર્યકરો તેના પૂર્વી મેદિનીપુર ખાતેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના 6 વર્ષના પૌત્ર સામે તેમનો ગેંગરેપ કર્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે 4 અને 5 મેના રોજ મોડી રાતે બનેલી આ ઘટનામાં તેમના ઘરમાં રહેલી તમામ કિંમતી વસ્તુઓ પણ લૂંટી લેવામાં આવી હતી. 

મહિલાએ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં લખ્યું હતું કે, ખેજુરી વિધાનસભા બેઠક પર ભાજપના વિજય છતાં 100થી 200 ટીએમસી કાર્યકરોની ભીડે 3 મેના રોજ તેમના ઘરને ઘેરી લીધું હતું. હિંસા દરમિયાન ટોળાએ બોમ્બ વડે તેમનું ઘર ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ તેમની વહુએ બીજા જ દિવસે ઘર છોડી દીધું હતું. 

પોલીસ દ્વારા ઘટનાની અવગણના

વૃદ્ધાએ અરજીમાં જણાવ્યું કે, બીજા દિવસે પાડોશીઓને તે ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને તેમણે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાર બાદ તેમના જમાઈ પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવવા ઈચ્છતા હતા પરંતુ પોલીસે તેની અવગણના કરી હતી. પીડિતાના કહેવા પ્રમાણે ટીએમસી કાર્યકરો બદલો લેવા માટે ઈરાદાપૂર્વક બળાત્કારનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા હતા. 

વૃદ્ધા ઉપરાંત અનુસૂચિત જનજાતિની એક 17 વર્ષીય સગીરાએ પણ ગેંગરેપ કેસમાં ન્યાય માટે અરજી કરી છે. પીડિતાની માંગણી છે કે, ટીએમસીના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા ગેંગરેપ અને પોલીસની કથિત નિષ્ક્રિયતાની તપાસ એસઆઈટી કે સીબીઆઈને સોંપવામાં આવે. આ સાથે જ મહિલાઓએ કેસની ટ્રાયલ શહેરની બહાર યોજવા પણ વિનંતી કરી છે.