×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં હવે વેક્સિન સર્ટિફિકેટ પર હશે CM મમતાનો ફોટો, રોષે ભરાયું BJP


- ટીએમસી એ માનવા તૈયાર જ નથી કે તે લોકો જ્યાં છે તે ભારતનું એક રાજ્ય છેઃ સમિક ભટ્ટાચાર્યા

નવી દિલ્હી, તા. 5 જૂન, 2021, શનિવાર

કોરોના વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે નિર્ણય લીધો છે કે, રાજ્ય તરફથી યોજાનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં 18થી 44 વર્ષની ઉંમરના લોકોને વેક્સિનેશન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીરવાળા સર્ટિફિકેટ આપવામાં આવે. 

થોડા મહિના પહેલા જ ટીએમસીએ વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીના ફોટોને લઈ ભાજપ અને વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી ત્યારે હવે મમતા સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીએમસીએ આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી હતી. ટીએમસીએ વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીરને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

મમતા બેનર્જીએ અનેક વખત બધાને ફ્રીમાં વેક્સિન મળે તેવી માંગણી કરી છે. તેમણે વેક્સિનેશન સર્ટિફિકેટ પર વડાપ્રધાન મોદીની તસવીરને લઈ તેમની ટીકા પણ કરી હતી. જોકે ટીએમસીને લાગે છે કે વેક્સિનેશન સર્ટિફિકેટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીર હોય તેમાં કશું ખોટું નથી. ટીએમસીના સૌગત રૉયે જણાવ્યું કે, આ પહેલા ભાજપવાળાએ કર્યું હતું અને જો તેઓ આવું કરી શકે તો અમે પણ એવું કરી શકીએ. તે આવું ન કરતા તો અમે પણ ન કરતા. 

જોકે ટીએમસી સરકારના આ નિર્ણયથી ભાજપ રોષે ભરાયું છે. ભાજપના સીનિયર નેતા અને રાજ્ય પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યાના કહેવા પ્રમાણે ટીએમસી વડાપ્રધાનના પદની ગરિમા નથી સ્વીકારી રહ્યું. ટીએમસી એક અલગ નિર્ભર દેશ જેવું વર્તન કરી રહી છે. ટીએમસી એ માનવા તૈયાર જ નથી કે તે લોકો જ્યાં છે તે ભારતનું એક રાજ્ય છે.