×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં ભાજપના દેખાવો હિંસક બન્યા : પથ્થરમારા, આગજનીથી તંગદિલી


- બંગાળમાં બબાલ : મમતા સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપની 'નબન્ના ચલો માર્ચ'

- સામસામી અથડામણમાં પોલીસની ગાડીઓ સળગાવાઈ  દેખાવકારોને વિખેરવા ટીયર ગેસ-પાણીનો મારો ચલાવાયો

- વિધાનસભા સત્રના આગળના દિવસે જ ભાજપની માર્ચને પોલીસની મંજૂરી નહીં 

- બંગાળ ઉ. કોરિયા બની ગયું હોવાનો સુવેન્દુ અધિકારીનો આક્ષેપ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ ફરી એક વખત આમને-સામને આવી ગયા છે. મમતા સરકારમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અંગે રાજ્ય સરકાર વિરુદ્ધ ભાજપે 'નબન્ના ચલો' અભિયાન હેઠળ રસ્તા પર ઉતરી હલ્લાબોલ કર્યું છે. મમતા સરકારે ભાજપના આ દેખાવોને રોકવાનો પ્રયત્ન કરતાં દેખાવો હિંસક બન્યા હતા. પોલીસની ગાડીઓ ફૂંકી દેવાઈ હતી તો પોલીસે પણ દેખાવકારોને વેર-વિખેર કરવા માટે અશ્રુવાયુના ગોળા છોડયા અને પાણીનો મારો ચલાવ્યો હતો.

મમતા સરકારના ભ્રષ્ટાચારનો વિરોધ કરતાં ભાજપે નબન્ના ચલો અભિયાન હેઠળ રાજ્ય સચિવાલય તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસે ભાજપની માર્ચને રોકવાનો પ્રયત્ન કરતાં હાવડાના સાંતરાગાછી અને હાવડા મેદાનથી લઈને કોલકાતા સુધીનો વિસ્તાર યુદ્ધ મેદાનમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ થતાં મીલીમાં ભાજપના અગ્રણી નેતાઓ મિના દેવી પુરોહિત અને સ્વપન દાસગુપ્તા જેવા નેતાઓ સહિત ભાજપના કેટલાક કાર્યકરો અને પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી હતી.

ભાજપની નબન્ના માર્ચ દરમિયાન બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી, પક્ષના હુગલીના સાંસદ લોકેટ ચેટરજી અને વરિષ્ઠ નેતા રાહુલ સિંહા સહિતના નેતાઓની અટકાયત કરાઈ હતી. પોલીસે ભાજપ કાર્યકરોને સચિવાલય તરફ આગળ વધતા રોકવા માટે શહેર અને આજુબાજુના વિસ્તારોમાં કેટલાક પોઈન્ટ્સ પર બેરીકેડ લગાવ્યા હતા. બંગાળમાં મમતા સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપે મંગળવારે 'નબન્ના ચલો' એટલે કે 'સચિવાલય ચલો'ની ઘોષણા કરી હતી. જોકે, પોલીસે ભાજપને આ માર્ચની મંજૂરી આપી નહોતી. પરિણામે સચિવાલય અને આજુબાજુનો પાંચ કિ.મી.નો વિસ્તાર પોલીસ છાવણીમાં બદલાઈ ગયો હતો. 

સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, નબન્ના બહાર વિરોધ કરવાના વિપક્ષના નેતાઓના લોકતાંત્રિક અધિકારને દબાવવાનો પોલીસ કેવી રીતે પ્રયત્ન કરી રહી છે તે લોકો જોઈ રહ્યા છે. મમતા સરકારે બંગાળને ઉત્તર કોરિયા બનાવી દીધું છે. પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી ભાજપના આ દેખાવો તેનું શક્તિપ્રદર્શન હોવાનું મનાય છે. ભાજપે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો છે. ભ્રષ્ટાચારના આરોપમાં તૃણમૂલના બે નેતા પાર્થ ચેટરજી અને અનુબ્રત મંડલ જેલમાં કેદ છે અને અભિષેક બેનરજી સહિત અન્ય નેતાઓ સામે ભ્રષ્ટાચારના કેસો ચાલી રહ્યા છે.

સાંતરાગાછીમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. દેખાવકારોને આગળ વધતા રોકવામાં આવતા તેમણે એક પોલીસ કિઓસ્ક તોડી પાડયો હતો. હાવરા, કોલકાતાના લાલબજાર અને એમજી માર્ગ પર પણ આવા જ દૃશ્યો સર્જાયા હતા. અહીં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ભાજપના દેખાવો હિંસક બન્યા હતા. લાલબજારમાં પોલીસ વાહનને આગ લગાવી દેવાઈ હતી.

કોલકાતાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દેખાવો હિંસક બનવા છતાં કોઈપણ દેખાવકારોને ગંભીર ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. જોકે, કેટલાક પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી હતી. ભાજપના દેખાવોના કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ભાજપ કાર્યકરોને નબન્ના તરફ આગળ વધતાં રોકવામાં આવતા ભાજપ બંગાળ પ્રમુખ સુકાન્તા મજુમદારે હાવરા ખાતે ધરણાં કર્યા હતા. તેમણે કહ્યું કે, આ આપખુદ મમતા સરકાર વિપક્ષના લોકતાંત્રિક વિરોધમાં વિશ્વાસ નથી કરતી.