×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની આશંકા, IMDએ આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ

નવી દિલ્હી, તા.02 મે-2023, મંગળવાર

હવામાન વિભાગે 6ઠ્ઠી મેએ બંગાળની ખાડી ઉપર ચક્રવાતની આશંકા વ્યક્ત કરી છે. IMDના જણાવ્યા અનુસાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતી પવનનો વિસ્તાર વિકસી શકે છે, જેના કારણે આગામી 48 કલાકમાં આ વિસ્તારમાં લો પ્રેશરનું ક્ષેત્ર ઉદભવી શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમેરિકાના વેધર ફોરકાસ્ટ મોડલ ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ અને યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ્સે પણ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનની શક્યતા વ્યક્ત કરી છે. IMDએ પણ આવી જ આશંકા વ્યક્ત કરી છે.

IMDએ જાહેર કર્યું એલર્ટ

IMDનું કહેવું છે કે કેટલાક મોડલ મુજબ બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાવાની સંભાવના છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. જો કે એક ખાનગી એજન્સી સ્કાયમેટ વેદનની આગાહી મુજબ મેના પહેલા 15 દિવસમાં કોઈપણ ઉષ્ણકટિબંધીય તોફાન આવવાની શક્યતા ઘણી ઓછી છે. એપ્રિલમાં ભારતના દરિયામાં કોઈ ચક્રવાતી તોફાન જોવા મળ્યું ન હતું. એપ્રિલમાં કોઈપણ પ્રકારનું ઉષ્ણકટિબંધીય વાવાઝોડું આવ્યું ન હતું, તેવું આ ચોથું વર્ષ છે.

તોફાન સાથે વરસાદ પડવાની સંભાવના

IMD અનુસાર ઉત્તર પ્રદેશમાં ગાજવીજ, વીજળી, આંધી અને વરસાદની સાથે ઘણી જગ્યાએ કરા પણ પડી શકે છે. વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાક 40થી 50 કિમી રહેવાની સંભાવના છે. દરમિયાન પહેલી મેએ ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. IMDએ પંજાબ, ઉપ-હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યનમ, તેલંગાણા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.