×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્યુઅલ ભાવ સ્થગિત રખાતા ઓઇલ કંપનીઓને રૂ.19,000 કરોડનો ફટકો


- ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 132 દિવસ બાદ વધારો કરાયો

- ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 111 ડોલર તો આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલ બેરલ દીઠ 82 ડોલરના સરેરાશ ભાવે ઇંધણનું વેચાણ કરે છે

મુંબઈ : ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં જોરદાર  ઉછાળો છતાં  ભારતના ટોચના ફયુઅલ રિટેલરો  આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો લાંબો સમય સુધી યથાવત રાખી મુકાતા નવેમ્બરથી માર્ચના ગાળામાં તેમને  આવકમાં સંયુકત રીતે રૂપિયા ૧૯૦૦૦ કરોડનું નુકસાન થયું છે, એમ મૂડી'સ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.

ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં વધારો છતાં ૪ નવેમ્બર, ૨૦૨૧થી ૨૧મી માર્ચ ૨૦૨૨ સુધી દેશમાં પેટ્રોલ - ડીઝલના રિટેલ  કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નહતો. 

નવેમ્બરના પ્રારંભમાં ક્રુડ તેલનો સરેરાશ ભાવ જે પ્રતિ બેરલ ૮૨ ડોલર રહ્યો હતો તે માર્ચના પ્રથમ ત્રણ સપ્તાહમાં વધીને સરેરાશ ૧૧૧ ડોલર પહોંચી ગયો હતો. 

હાલના બજાર ભાવને ધ્યાનમાં રાખતા તેલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલના વેચાણ પર પ્રતિ બેરલ ૨૫ ડોલર અને ડીઝલ પર  પ્રતિ  બેરલ ૨૪ ડોલરની ખોટ કરી રહી છે. 

ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૧૧ ડોલર જળવાઈ રહેશે તો, આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ  પેટ્રોલ તથા ડીઝલના વેચાણ પર સંયુકત રીતે દૈનિક ૬.૫૦થી ૭ કરોડ ડોલરની ખોટ કરતી રહેશે, સિવાય કે ક્રુડ તેલના વધતા ભાવને આવરી લેવા પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવે, એમ મૂડી'સ દ્વારા વધુમાં જણાવાયું હતું.

નવેમ્બર તથા માર્ચના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાનના સરેરાશ વેચાણ વોલ્યુમના અમારા અંદાજોને આધારે કહી શકાય કે, પેટ્રોલ તથા ડીઝલના વેચાણ પર આ સરકારી તેલ કંપનીઓએ ૧૯૦૦૦ કરોડની ખોટ કરી છે. 

આ ખોટનો આંક નાણાં વર્ષ ૨૦૨૧ની આ ત્રણ કંપનીઓની ઈબીડીટાના અંદાજે વીસ ટકા જેટલો થવા જાય છે. 

ભારતમાં ફયુઅલના ભાવ અંકૂશમુકત છે અને રિફાઈનરીઓ તેમના ખર્ચમાં કોઈપણ વધારો ગ્રાહકો પર પસાર કરી શકે છે, પરંતુ ભાવમાં જોરદાર વધારો કરવો હોય તો તે માટે સરકાર સાથે સલાહમસલત કરવાની રહે છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે ફેબુ્રઆરીથી માર્ચના ગાળામાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાનું ટાળ્યું હતું.