×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફેબ્રુઆરીના અંત પહેલા હિટવેવની શક્યતા ઉનાળામાં ભીષણ ગરમીના એંધાણ


- ગુજરાત,દિલ્હી, ઉ.પ્ર. રાજસ્થાન,  મ.પ્ર.,મહારાષ્ટ્રમાં ગરમી ઝડપથી વધશે

- આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સે. તાપમાન વધારે જોવા મળશે 

નવી દિલ્હી : આગામી પાંચ દિવસમા ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે જોવા મળશે  તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસમાં દેશના કેટલાક વિસ્તારોમાં ગરમી માર્ચના પ્રથમ સપ્તાહ જેટલી પડી રહી છે. જે ચાલુ વર્ષના ઉનાળામાં ભીષણ ગરમી પડવાના સંકેતો આપી રહ્યાં છે.

માર્ચના શરૂઆતના ૧૫ દિવસમાં જ ઉત્તરપશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન વધીને ૪૦ ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સોમવારે ૩૩.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે ૧૯૬૯ પછીનો ફેબ્રુઆરીનો ત્રીજો સૌથી ગરમ દિવસ હતો. આ અગાઉ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ ૩૪.૧ અને ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ ૩૩.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. 

ગુજરાતના ભૂજમાં ૧૬ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં ગરમી ઝડપથી વધશે. 

પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેબ્રુઆરી ૧૦૦ ટકા સુકુ રહ્યું છે જેના કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ઓડિશાના હવામાન વિભાગ મુજબ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરનું મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મહિનો પૂર્ણ થતા જ પહેલા આ રેકોર્ડ તૂટી ગયો છે. આગામી સાત દિવસમાં વરસાદ નહીં પડે તો ઓડિશાના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચી જશે.

દેશના પર્વતીય વિસ્તારોમાં પણ ફેબ્રુઆરીમાં તાપમાન વધારે જોવા મળી રહ્યું છે. પર્વતીય વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ૧૦ થી ૧૧ ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે. મંગળવારે શિમલાનું મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્યથી આઠ ડિગ્રી વધારે હતું. આવી જ રીતે મસૂરીનું તાપમાન સામાન્યથી છ ડિગ્રી વધારે હતું. જમ્મુ-કાશ્મીરમાં તાપમાનની ચાલ અસામાન્ય જોવા મળી રહી છે. 

બીજી તરફ વિશ્વ હવામાન સંગઠને સમગ્ર વિશ્વમાં તાપમાન વધવાની શક્યતા દર્શાવી છે. લા નીનાની અસર ઓછી થતાં વૈશ્વિક તાપમાનમાં વધારો શક્ય છે. જળવાયુ પરિવર્તન અને પ્રદૂષણને કારણે હવામાનનું યોગ્ય અંદાજ કાઢવો મુશ્કેલ બનશે.