×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફુગાવો ચાર મહિનાની ટોચે : ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો


- અર્થતંત્રને બમણો ફટકો : ફેબ્રુ.માં ઉત્પાદન ઘટયું, માર્ચમાં મોંઘવારી વધી

- અનાજ-ઇંધણના ભાવ વધતાં માર્ચમાં રીટેલ ફૂગાવો વધ્યો, ફેબ્રુઆરીમાં ફુગાવો 5.03 ટકા હતો : કેન્દ્ર

- આંશિક લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોને પગલે ઔદ્યોગિક ઉત્પાદન સતત બીજા મહિને ઘટયું


નવી દિલ્હી : કોરોનાકાળમાં આર્થિક કટોકટી વચ્ચે ભારતને સોમવારે બમણો ફટકો પહોંચ્યો છે. એકબાજુ અનાજ અને ઈંધણના ભાવમાં વધારો થવાને પગલે રિટેલ ફુગાવાનો દર માર્ચ મહિનામાં ચાર મહિનાની ઊંચી સપાટીએ ૫.૫૨ ટકાના સ્તરે પહોંચ્યો હતો. બીજીબાજુ દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના પગલે ઓદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (આઇઆઇપી) ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન સંકોચાઈને ૩.૩૬ ટકા થયો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે. અર્થતંત્રને આ બમણા ફટકાથી કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારને જીડીપીમાં સુધારાની ગતિ ઘટવાની ચિંતા છે.

અનાજ અને ઇંધણના ઊંચા ભાવના લીધે ફુગાવો આ સ્તરે જોવા મળ્યો હતો, એમ સરકારે સોમવારે જારી કરેલા આંકડામાં જણાવ્યું હતું. ફેબ્રુઆરીમાંફુગાવો ૫.૦૩ ટકા હતો, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં એટલે કે માર્ચ ૨૦૨૦માં ફુગાવો ૫.૯૧ ટકા હતો. ફુગાવાની અગાઉની ટોચ નવેમ્બર ૨૦૨૦માં ૬.૯૩ ટકા હતી.  રોયટર્સના પોલમાં માર્ચ મહિનામાં ફૂગાવો ૫.૪૦ ટકા રહેવાનો અંદાજ મૂકાયો હતો. 

સતત ચોથા મહિને કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ)ના આંકડા આરબીઆઈના ૬ ટકાની ઉપલી મર્યાદાની અંદર આવ્યા છે. ગયા મહિનાના અંતે આરબીઆઈએ રીટેલ ફુગાવાનો દર માર્ચ ૨૦૨૬ના અંત સુધી ચાર ટકાની આજુબાજુ રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. કોર ઈન્ફ્લેશન માર્ચ ૨૦૨૧માં ૨૯ મહિનાની ટોચે ૫.૯૬ ટકા થયો હતો. માર્ચ ૨૦૨૦માં ફુગાવો ૩.૯૫ ટકા હતો અને ફેબ્રુઆરી ૨૦૨૧માં ૫.૮૮ ટકા હતો. 

આરબીઆઈ તેની દ્વિ-માસિક નાણાં નીતિ નિશ્ચિત કરવામાં પ્રાથમિક પરીબળ તરીકે ફુગાવાના આંકડાને ધ્યાનમાં રાખે છે. ગયા સપ્તાહે આરબીઆઈની નાણાંનીતિ સમિતિએ સતત પાંચમી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યા વિના ચાર ટકા રાખ્યો હતો.

વાર્ષિક ખાદ્યાન્ન ફુગાવો ફેબ્રુઆરીના ૩.૮૭ ટકાથી એક ટકા કરતાં પણ વધારો વધીને માર્ચમાં ૪.૯૪ ટકા થયો હતો. જો કે ખાદ્યાન્ન ચીજવસ્તુઓમાં શાકભાજીના ભાવ ઘટતા માર્ચમાં તેનો ફુગાવો ૪.૮૩ ટકા નોંધાયો હતો, જે ગયા મહિને ૬.૨૭ ટકા જેટલો ઊંચો હતો. ઇંધણ અને લાઇટ કેટેગરીમાં ફુગાવો ફેબ્રુઆરીના ૩.૫૩ ટકાથી વધીને માર્ચમાં ૪.૫૦ ટકા થયો હતો. માર્ચ મહિનામાં માસિક ધોરણે ફૂડ બાસ્કેટમાં ઓઈલ્સ અને ફેટ્સના ભાવમાં ૨૪.૯૨ ટકાનો વધારો થયો હતો.

આ દરમિયાન ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) જાન્યુઆરીમાં ૦.૯ ટકાના ઘટાડા પછી સતત બીજા મહિને ફેબ્રુઆરી ૨૦૨૧માં ઘટીને ૩.૬ ટકા થયો હતો, એમ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (એમઓએસપીઆઇ) દ્વારા જારી કરવામાં આંકડામાં જણાવાયું હતું. દેશમાં અનેક શહેરોમાં આંશિક લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના કારણે ફેબ્રુઆરીમાં માઈનિંગ અને મેન્યુફેક્ચરિંગ બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઔદ્યોગિક ઉત્પાદન ફેબ્રુઆરી ૨૦૨૦માં વિસ્તરીને ૫.૨ ટકા થયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઔદ્યોગિક સેક્ટરમાં ૧૧.૩ ટકાનું સંકોચન નોંધાયું હતું, જ્યારે એક વર્ષ અગાઉ સમાન સમયમાં તેમાં ૧ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

ફેબ્રુઆરીમાં ઉત્પાદન ક્ષેત્ર ૩.૭ ટકા સંકોચાયુ હતુ, જ્યારે માઇનિંગ ઉત્પાદનમાં ૫.૫ ટકા ઘટાડો નોંધાયો તો. આ દરમિયાન ફેબ્રુઆરીમાં વીજ ઉત્પાદન ૦.૧ ટકા વધ્યું હતું. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક સાથે ફુગાવાને આગામી પાંચ નાણાકીય વર્ષમાં એટલે કે ૨૦૨૫-૨૬ સુધીમાં બેથી છ ટકાની અંદર રાખવાનું લક્ષ્યાંક નકકી કર્યુ છે તે હજી બદલાયું નથી. મધ્યસ્થ બેન્કે તેની છેલ્લી નીતિગત જાહેરતમાં દરને ચાર ટકા પર સ્થિર રાખ્યા હતા અને કોરોના વાઇરસના વધી રહેલા કેસોના લીધે પ્રાથમિક તબક્કામાં જોવા મળતી રિકવરી પાટા વરથી ગબડી જાય તેવી ચિંતાની વચ્ચે તેણે તેનું વલણ એકોમોડેટિવરાખ્યું હતું.