×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફિરોઝાબાદઃ હોસ્પિટલ્સમાં જગ્યા નહીં, ઘરે જ બાળકોની સારવાર કરાવવા મજબૂર પરિવાર


- 100 બેડની મેડિકલ કોલેજમાં 325 કરતા વધારે લોકોને એડમિટ કરવામાં આવ્યા 

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર, 2021, શનિવાર

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં વાયરલ ફીવર અને ડેન્ગ્યુના કારણે સ્થિતિ કથળી રહી છે. અનેક વિસ્તારોમાં લોકો પોતાના ઘરની આજુબાજુના બોગસ ડોક્ટર્સની સલાહ પર ઘરે જ સારવાર કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલ્સમાં જગ્યા નથી મળી રહી. ફિરોઝાબાદના ઝલકારી નગર વિસ્તારમાં અનેક પરિવારો એવા છે જે હાલ પોતાના ઘરોમાં જ બાળકોની સારવાર કરાવી રહ્યા છે.

ઝલકારી નગર વિસ્તારમાં રહેતા રાજીવ કુમારના દીકરા વૈભવને પાછલા કેટલાય દિવસોથી તાવ આવી રહ્યો હતો. બાદમાં ટેસ્ટ કરાવવા પર તે ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ રાજીવે પોતાના દીકરાની ઘરે જ સારવાર શરૂ કરાવી દીધી. રાજીવના કહેવા પ્રમાણે હોસ્પિટલમાં જગ્યના ન હોવાના કારણે સ્થાનિક ડોક્ટરની સલાહ પ્રમાણે ઘરે જ સારવાર ચાલુ છે. બાળકને ઘરે જ દવા અને ગ્લુકોઝ ડ્રિપ આપવામાં આવી રહ્યા છે. વૈભવની ઉંમર આશરે 12 વર્ષ છે. 

ઝલકારી નગર વિસ્તારમાં જ પુષ્પા દેવી અને તેમના પરિવારની એક દીકરી ડેન્ગ્યુના કારણે પ્લેટલેટ્સ ડાઉન થવાથી મૃત્યુ પામ્યા છે. પરિવારજનોના કહેવા પ્રમાણે હોસ્પિટલ લઈ ગયા ત્યાં બેદરકારી દાખવવામાં આવી હતી. જોકે સરકારે ડોક્ટર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે પરંતુ જે રીતે લોકો પોતાના ઘરોમાં બાળકોની સારવાર કરી રહ્યા છે તે ખૂબ જ ખતરનાક છે. 

તે વિસ્તારના પાર્ષદ મનોજ શંખવારે જણાવ્યું કે, પૂરતી સાફ-સફાઈ ન થતી હોવાના કારણે તાવ ખૂબ જ ઝડપથી ફેલાયો અને બાળકો પર તેની સૌથી વધારે અસર થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોમાં જ ઓછામાં ઓછા 15 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ફિરોઝાબાદમાં દર્દીઓની સંખ્યા એટલી વધી રહી છે કે, 100 બેડની મેડિકલ કોલેજમાં 325 કરતા વધારે લોકોને એડમિટ કરવામાં આવ્યા છે. મોટા ભાગના પ્રાઈવેટ દવાખાના ફુલ છે. કેન્દ્ર સરકારે પણ ટીમ મોકલી છે અને તે ટીમે શુક્રવારે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી હતી.