×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફિચે ભારતના GDP લક્ષ્યાંકમાં કર્યો ઘટાડો : અમેરિકા-યુરોપમાં મંદીના ભણકારા

અમદાવાદ,તા.15 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

મોંઘવારી અને તેને ડામવા કરવામાં આવી રહેલ વ્યાજદર વધારાની અસર ભારત સહિત વિશ્વના અર્થતંત્ર પર પડવાની આશંકાઓ વધતી જઈ રહી છે. ભારત સરકારના રદિયા છતા રેટિંગ એજન્સીઓને ભારતના વિકાસ પથ પર આશંકા સેવી રહી છે.

દિગ્ગજ રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે ફિચે તાજેતરના રિપોર્ટમાં કહ્યું કે નાણાંકીય વર્ષ 2022-23 માટે ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 7 ટકા કર્યો છે. જૂન 2022માં આ અનુમાન 7.8 ટકા અંદાજવામાં આવ્યું હતુ. આ સાથે FY24 માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 6.7 ટકા કરવામાં આવ્યો છે, જે અગાઉ 7.4 ટકા હતો.

ફિચે જણાવ્યું કે નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે અર્થતંત્રમાં સુધારો થયો છે પરંતુ તે અમારા 18.5 ટકા વૃદ્ધિના અનુમાનથી નીચે છે. જોકે સિઝનલી એડજસ્ટેડ અંદાજો ત્રિમાસિક ધોરણે 3.3 ટકાનો ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ વધતી જતી મોંઘવારી અને કડક મોનિટરી પોલિસીને ધ્યાનમાં રાખીને અર્થતંત્રમાં મંદીની આશંકા છે.


RBI વ્યાજદર વધારીને 5.9% કરશે :

એજન્સીના મતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ વર્ષના અંત પહેલા રેપો રેટ વધારીને 5.9 ટકા કરશે. આરબીઆઈનું ફોકસ ફુગાવો ઘટાડવા પર છે પરંતુ વ્યાજદરના નિર્ણય દેશના અર્થતંત્રને વધુ ખરાબ અસર ન પહોંચાડે તે પ્રમાણે "વ્યવસ્થિત, સમતુલનમાં અને ઝડપથી" લેવામાં આવશે.

ભારતમાં વ્યાજદર ટૂંક સમયમાં જ પીક પર પહોંચશે અને આવતા વર્ષે 6 ટકા પર રહેશે તેમ ફિચે ઉમેર્યું હતુ.

વૈશ્વિક વિકાસને ફટકો પડશે

વૈશ્વિક વૃદ્ધિના સંદર્ભમાં ફિચે કહ્યું કે 2022માં ગ્લોબલ GDP વૃદ્ધિ 2.4 ટકા રહેવાની અપેક્ષા રાખે છે, જે જૂનના અનુમાનથી 0.5 ટકા પોઇન્ટ ડાઉનગ્રેડેડ છે. આ સિવાય 2023 માટે વૃદ્ધિનું અનુમાન 1 ટકા ઘટાડીને 1.7 ટકા કરવામાં આવ્યું છે.

યુરોપના દેશો માટે એનર્જીના ભાવ સૌથી મોટી સમસ્યા છે. યુરોઝોન અને બ્રિટન આ વર્ષના અંતમાં મંદીમાં ગરકાવ થશે અને અપેક્ષા છે કે અમેરિકામાં 2023ના મધ્યમાં હળવી મંદી જોઈ શકાય છે.

અમેરિકાનો વૃદ્ધિ દર 2022 માટેનો અંદાજ 1.2 ટકા ઘટાડીને 1.7 ટકા અને 2923 માટે 0.5 ટકા ઘટાડીને 1.0 ટકા કરવામાં આવ્યો છે.