×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફારૂક અબ્દુલ્લાના 'તાલિબાન પાસેથી સારા શાસનની આશા' નિવેદન મુદ્દે ભડક્યું ભાજપ


- નિર્મલ સિંહે કહ્યું કે, ફારૂક અબ્દુલ્લા ફક્ત એ દેશોમાં જ સેક્યુલરિઝમ ઈચ્છે છે જ્યાં મુસ્લિમો અલ્પસંખ્યક છે પરંતુ જ્યાં મુસલમાનો બહુસંખ્યક છે ત્યાં ઈસ્લામિક નિયમો ઈચ્છે છે

નવી દિલ્હી, તા. 08 સપ્ટેમ્બર, 2021, બુધવાર

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ અફઘાનિસ્તાનમાં બનેલી તાલિબાનની સરકારને લઈ નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાના કહેવા પ્રમાણે તેમને આશા છે કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં સારૂં શાસન કરશે. 

શ્રીનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, તાલિબાને અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક નિયમોના આધારે શાસન કરવું જોઈએ, વિશ્વના તમામ દેશો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા જોઈએ. સાથે જ તેમણે તાલિબાન બધા સાથે ઈન્સાફ (ન્યાય) કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. 

ફારૂક અબ્દુલ્લાના આ નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટી ભડકી ઉઠી છે. ભાજપના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ નિર્મલ સિંહે ફારૂક અબ્દુલ્લા પર નિશાન તાક્યું છે. નિર્મલ સિંહના કહેવા પ્રમાણે તાલિબાન મહિલાઓ અને અલ્પસંખ્યકો પર અત્યાચાર કરી રહ્યું છે પરંતુ ફારૂક અબ્દુલ્લા તેનો પક્ષ જ લઈ રહ્યા છે. 

નિર્મલ સિંહે કહ્યું કે, ફારૂક અબ્દુલ્લા ફક્ત એ દેશોમાં જ સેક્યુલરિઝમ ઈચ્છે છે જ્યાં મુસ્લિમો અલ્પસંખ્યક છે. પરંતુ જ્યાં મુસલમાનો બહુસંખ્યક છે ત્યાં ઈસ્લામિક નિયમો ઈચ્છે છે. 

ઉલ્લેખનીય છે કે, ફારૂક અબ્દુલ્લાએ અગાઉ તાલિબાન અંગે જે નિવેદનો આપેલા તેને લઈને પણ દેશમાં જંગ છેડાયો હતો. શાયર મુનવ્વર રાણા, સપા સાંસદ શફીકુર્રહમાન બર્કે તાલિબાનને લઈને જે નિવેદન આપ્યા તે મુદ્દે ભારે હોબાળો થયો હતો. 

હાલ ભારત તરફથી તાલિબાન અંગે કોઈ સ્પષ્ટ નીતિ જાહેર નથી થઈ. ભારત સતત પોતાના સહયોગી દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે તથા વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યું છે. જોકે ભારતે એક વખત દોહા ખાતે તાલિબાન સાથે સત્તાવાર વાતચીત કરી છે પરંતુ તેમાં અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકોને કાઢવા પર ફોકસ કરવામાં આવ્યું હતું.