×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફરી એકવાર JNUમાં હોબાળો, આ વખતે કારણ પીએમ મોદી આધારિત BBC ડૉક્યુમેન્ટ્રી

image: Website

નવી દિલ્હી, તા. 25, જાન્યુઆરી, બુધવાર

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. જેએનયુના વિદ્યાર્થીઓએ મંગળવારે વડાપ્રધાન મોદી પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાની જાહેરાત કરી હતી. જોકે આ સ્ક્રીનિંગથી પહેલાં જ વિદ્યાર્થી યુનિયનના કાર્યાલયમાં વીજળી ઠપ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ બની હતી. જેના લીધે મામલો બીચક્યો હતો. 

જેએનયુના વિદ્યાર્થીઓ એબીવીપીના કાર્યકરોથી ભયભીત

બીબીસી ડૉક્યુમેન્ટ્રી જોતા વિદ્યાર્થીઓ પર પથ્થરમારા મામલે વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન સુધી કૂચ પણ યોજી હતી. વિદ્યાર્થીઓ કહે છે કે અમે હોસ્ટેલ જવા માગતા હતા પણ એબીવીપીના કાર્યકરોથી ડર લાગે છે. વિદ્યાર્થીઓએ માગ કરી હતી અમને પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવે. વસંતકુંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરાઈ હતી. 

થોડા દિવસ પહેલાં જ જેએનયુએ બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ન બતાવવાનો નિર્ણય કર્યો હતો

થોડા દિવસ પહેલાં જ જેએનયુએ બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ન બતાવવાનો નિર્ણય કર્યો હતો પણ જેએનયુએસયુએ જાહેરાત કરી હતી કે તે તેની તરફથી વિદ્યાર્થીઓ માટે ડૉક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરશે. તેના બાદથી વિવાદ થયો હતો. બીબીસીની ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન ડૉક્યુમેન્ટ્રી સિરીઝ ગુજરાત રમખાણો પર આધારિત છે. તે સમયે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 

ઓફિસમાં વીજળી અને ઈન્ટરનેટ સેવા બહાલ કરાઈ

ડાબેરી જૂથ સમર્થિત સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આયશી ઘોષે દાવો કર્યો હતો કે જેએનયુ તંત્રએ વીજળી કાપી નાખી હતી. સાથે જ ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું. જોકે બાદમાં ઓફિસમાં વીજળી અને ઈન્ટરનેટ સેવા બહાલ કરાઈ હતી. જ્યારે જેએનયુ વિદ્યાર્થી યુનિયને બુધવારે પ્રોક્ટર ઓફિસમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી.