×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફટાકડા પર પ્રતિબંધ છતાં ખૂબ આતશબાજી થઈ, દિવાળી પર દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ 'ગંભીર' શ્રેણીમાં


- દિલ્હીના અનેક વિસ્તારો ઉપરાંત યુપીના નોએડા અને ગાઝિયાબાદમાં એક્યુઆઈ 999 રેકોર્ડ થયો, એક્યુઆઈના માપનમાં 999થી વધારેનો વિકલ્પ નથી

નવી દિલ્હી, તા. 05 નવેમ્બર, 2021, શુક્રવાર

દિલ્હી સરકારે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે પોતાના સ્તરે તમામ પ્રયત્નો કરવાનો દાવો કર્યો હતો. સરકારે પહેલા તો પરાળી સળગાવાતી અટકાવવા માટે એક ખાસ પ્રકારના ઘોળનો છંટકાવ કરાવ્યો. ત્યાર બાદ સરકારે દિલ્હીમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લગાવી દીધો. જોકે, દિવાળીની રાતે સરકારના તમામ પ્રયત્નો અસફળ રહ્યાનું જોવા મળ્યું. 

દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ અતિશય ખરાબ થઈ ગઈ. દિલ્હીના અનેક વિસ્તારોની સાથે જ નોએડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પણ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. દિલ્હીના મહદઅંશે તમામ વિસ્તારોમાં અડધી રાત થતા સુધીમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરને પાર કરી ગઈ હતી. 

દિલ્હીના અનેક વિસ્તારો ઉપરાંત યુપીના નોએડા અને ગાઝિયાબાદમાં એક્યુઆઈ 999 રેકોર્ડ થયો. સવારે પણ હવાનું એક્યુઆઈ લેવલ 999 રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જ્યારે એક્યુઆઈ માપવામાં આવે છે ત્યારે તેમાં મહત્તમ 999 જ રેકોર્ડ થઈ શકે છે. એક્યુઆઈના માપનમાં 999થી વધારેનો વિકલ્પ નથી. 

આ સંજોગોમાં એવું કહેવાઈ રહ્યું છે કે, હવાની ગુણવત્તા 999 કરતા પણ વધારે ખરાબ છે. એક્યુઆઈ 400થી 500 વચ્ચે હોય તે પણ ગંભીર ગણાય છે. દિલ્હી, નોએડા અને ગાઝિયાબાદમાં સવારના સમયે પણ એક્યુઆઈ 999 રેકોર્ડ થયો જે ગંભીર શ્રેણીના ઉચ્ચતમ સ્તર કરતા બમણું છે. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની આ સ્થિતિ એવા સમયે છે જ્યારે સરકારે ત્યાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકાર તરફથી આકરા પ્રતિબંધો છતા દિવાળીના દિવસે લોકોએ મન મૂકીને આતશબાજી કરી હતી. આ કારણે હવાની ગુણવત્તામાં ઘટાડો થતો ગયો અને રાતે 11:30 વાગતા સુધીમાં હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો જોવા મળ્યો.