×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ.બંગાળ પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ : હિંસામાં 15 લોકોના મોત, બોંબ વિસ્ફોટથી CISF જવાન ઈજાગ્રસ્ત

કોલકાતા, તા.08 જુલાઈ-2023, શનિવાર

પશ્ચિમ બંગાળમાં આજે યોજાયેલી પંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. પંચાયત ચૂંટણીની જાહેરાત 8 જૂને થઈ હતી, ત્યારથી લઈને ગઈકાલ સુધીમાં રાજ્યમાં હિંસા અને ઘર્ષણની ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં 18 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો પશ્ચિમ બંગાળ ભાજપે પણ હિંસામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાનું જણાવ્યું છે. સુરક્ષા બંદોબસ્તને ધ્યાને રાખી રાજ્યભરમાં 1.35 લાખ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન હમણાં જ મળતા અહેવાલો મુજબ મુર્શિદાબાદમાં બોંબ ફાટવાથી CISF જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. તો આજે સવારે પણ અહીં એક વિસ્ફોટની ઘટનામાં તૃણમુલ ઉમેદવારના સસરાનું મોત નિપજ્યું છે. 

પશ્ચિમ બંગાલ ભાજપનું ટ્વિટ, 7 કલાકમાં 15ના મોત

દરમિયાન પશ્ચિમ બંગાળમાં આજે યોજાયેલી ચૂંટણીના મતદાન દરમિયાન થયેલી હિંસા અંગે રાજ્યના ભાજપ એકમે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં પશ્ચિમ બંગાળ ભાજપે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 7 કલાકમાં 15 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે પક્ષે ટ્વિટર હેન્ડર પર રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીર પણ મુકી છે.

હિંસામાં બોમ્બ વિસ્ફોટ થતાં મુર્શિદાબાદ CISF જવાન ઈજાગ્રસ્ત

મુર્શિદાબાદના સદાનંદપુર વિસ્તારમાં આજે પંચાયત ચૂંટણી ટાણે રાજકીય હિંસા દરમિયાન આજે બોમ્બ વિસ્ફોટમાં એક CISF જવાન ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વિસ્ફોટમાં કે.જ્યોતિ બાબુ નામના જવાનને આંખો સહિત અનેક ઈજાઓ થઈ છે. સાથી સૈનિકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે.

મુર્શિદાબાદમાં તૃણમૂલ ઉમેદવારના સસરાનું મોત

તૃણમૂલ ઉમેદવારના સસરાનું શનિવારે સવારે 7 વાગ્યા પહેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું હોવાના પણ અહેવાલો મળ્યા છે. ઘટના મુર્શિદાબાદના રેજીનગર પોલીસ સ્ટેશન હેઠળના નઝીરપુર ઉત્તરપારા વિસ્તારમાં બની છે. પોલીસે જણાવ્યું કે, મૃતકનું નામ યાસીન શેખ (51 વર્ષ) છે. તેઓ ગ્રામ પંચાયતના તૃણમૂલ ઉમેદવાર કવિતા બીબીના સસરા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું મોત બોમ્બ બ્લાસ્ટને કારણે થયું છે.

બંગાળમાં 8 TMC, 3 CPIM કાર્યકર્તાઓના મોત

બંગાળ પંચાયતની ચૂંટણી વચ્ચે ભીષણ હિંસા થઈ રહી છે. અત્યાર સુધીમાં અલગ-અલગ જગ્યાએ લોહિયાળ અથડામણમાં 13 લોકોના મોત થયા છે. જેમાં ટીએમસીના સૌથી વધુ 8, સીપીઆઈએમના 3, કોંગ્રેસ અને ભાજપના 1-1 કાર્યકર્તાએ જીવ ગુમાવ્યો છે.

TMC નેતાની કારને આગ લગાડાઈ, માકપા કાર્યકરો પર આરોપ

દુર્ગાપુરના કાંકસાના અમલજોડા પંચાયતના બિહારપુર વિસ્તારમાં આજે પહોંચેલા ટીએમસીના અંચલ સભાપતિ તારક બાઉરીની ગાડી પર હુમલો કરી તેમાં તોડફોડ કરવામાં આવી, ત્યારબાદ કારને આગ લગાડી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. દરમિયાન ટીએમસીએ આ ઘટના અંગે માકપા કાર્યકરો પર આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, જ્યારથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જાહેરાત થઈ છે, ત્યારથી અહીં જુદા જુદા વિસ્તારોમાં હિંસાની અને હત્યાની ઘટના સામે આવતી રહી છે. સતત ઘટનાઓને કારણે આજે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન કેન્દ્રીય સુરક્ષા દળો તેમજ બંગાળ પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો, જોકે તેમ છતાં બંગાળમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.