×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ.બંગાળમાં કાલે પંચાયત ચૂંટણીનું મતદાન, કોંગ્રેસના અપક્ષ કરતા પણ ઓછા ઉમેદવાર, સૌથી વધુ TMC-BJPના

કોલકાતા, તા.07 જુલાઈ-2023, શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની ચૂંટણી માટે દાખલ કરાયેલા નોમિનેશનમાં સત્તાધારી પાર્ટી TMC આગળ રહી છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 22 જિલ્લાની 63,229 ગ્રામ પંચાયત બેઠકો માટે સૌથી વધુ TMCના 61,591 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જે લગભગ 97 ટકા છે. દરમિયાન ચૂંટણીની જાહેરાત થતાની સાથે હિંસાઓની ઘટનાઓ સામે આવતા મતદાન ટાણે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરી દીધા છે. આ વખતની ચૂંટણીમાં રાજ્યમાં હિંસાઓની ઘટનાઓ વધુ સામે આવતા બંગાળ પોલીસ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો પણ તૈનાત જોવા મળશે.

TMCના 61,591, કોંગ્રેસના માત્ર 11,774 ઉમેદવાર મેદાનમાં

સૌથી વધુ ફોર્મ ભરવા મામલે TMC બાદ ભાજપનો નંબર આવે છે. ભાજપે રાજ્યની 60 ટકા બેઠકો પર 38,475 ઉમેદવારો જ્યારે સીપીઆઈએમએ 56 ટકા બેઠકો પર 35411 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ કરતા અપક્ષ ઉમેદવારી પત્રો વધુ નોંધાયા છે. રાજ્યમાં કુલ 16,335 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી માત્ર 11,774 ઉમેદવારો નોંધાયા છે.

કોંગ્રેસ-CMP વચ્ચે સમજુતી

પશ્ચિમ બંગાળની કેટલીક બેઠકો પર કોંગ્રેસ-સીપીએમએ એકબીજા વિરુદ્ધ ઉમેદવારો ઉભા રાખ્યા નથી. આ જ રીતે આમ આદમી પાર્ટીએ ટીએમસી સામે પોતાના કોઈપણ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. તો NPPએ પણ કોઈ દાવો રજૂ કર્યો નથી.

મતદાન પહેલા હિંસા

તો બીજી તરફ મતદાન પહેલા પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. ચૂંટણીના એક દિવસ પહેલા કૂચબિહારમાં ભાજપના ઉમેદવાર પર જીવલેણ હુમલો થતા ગંભીર ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આ મામલે ભાજપે ટીએમસી પર આરોપ લગાવ્યો છે. આ ઘટના દિનહાટાના બામનહાટ ગ્રામ પંચાયતના કામટી વિસ્તારમાં બની છે. ઈજાગ્રસ્તોને હાલ કૂચબિહારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 8 જૂને મતદાન યોજવાની જાહેરાત કરવાની સાથે જ રાજ્યના વિવિધ સ્થળોએ વ્યાપક હિંસાના અહેવાલો સામે આવ્યા હતા, જેમાં 1 કિશોર સહિત એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે. 

અગાઉ પણ થયો હતો ગોળીબાર

અગાઉ 17 જૂને મોડી રાત્રે કૂચબિહારના દિનહાટામાં શંભૂ દાસ (27) નામના ભાજપ કાર્યકર્તાની હત્યાનો આરોપ તૃણમુલ પર લગાવાયો હતો. ત્યારબાદ 27 જૂને દિનહાટામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગીતાલદહ ગ્રામ પંચાયતના જરીધરલા વિસ્તારમાં તૃણમુલ-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં એક તૃણમુલ કાર્યકર્તાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ બાબૂ હક (34) હતું, કથિર રીતે તેમની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી.