×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'પ્રશાંત કિશોરના હેવાયા ન બનો, નરેન્દ્ર મોદી છે પાક્કા આંબેડકરવાદી', 2024માં ફરીથી મોદી PM- આઠવલે


- આઠવલેએ મહારાષ્ટ્રમાં પૂર્વ સહયોગી ભાજપ અને શિવસેના સહિત અન્ય દળોના મહાગઠબંધનની સરકાર બનાવવા વિચાર રજૂ કર્યો

નવી દિલ્હી, તા. 14 જૂન, 2021, સોમવાર

રાજકીય કોરિડોરમાં હાલ રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવાર વચ્ચેની બેઠક ચર્ચાનો વિષય બનેલી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI) ચીફ રામદાસ આઠવલેએ તે મીટિંગનો ઉલ્લેખ કરીને પોતાના ખાસ અંદાજમાં વિપક્ષ પર નિશાન સાધ્યું છે. 

આઠવલેના કહેવા પ્રમાણે શરદ પવાર અને પ્રશાંત કિશોરની બેઠકથી વિપક્ષની કોઈ મોટી ફોર્મ્યુલા નહીં નીકળે. તેનું કારણ એ છે કે તમામ વિપક્ષી નેતાઓ એક સાથે નહીં આવી શકે. વધુમાં કહ્યું કે, '2019ની સામાન્ય ચૂંટણી વખતે પ્રશાંત કિશોરના સમર્થન વગર ભાજપ 303 બેઠકો જીત્યું હતું. વિપક્ષી દળ સદન (સંસદ)માં એનડીએનું સમર્થન કરે છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએને વિજય મળશે.'

આ સાથે જ કેન્દ્રીય મંત્રી આઠવલેએ નારો પણ આપ્યો હતો કે, 'પ્રશાંત કિશોરના ન બનશો હેવાયા, નરેન્દ્ર મોદી છે પાક્કા આંબેડકરવાદી, 2024માં ફરી PM બનશે મોદી.' અગાઉ શુક્રવારે રામદાસ આઠવલેએ મહારાષ્ટ્રમાં પૂર્વ સહયોગી ભાજપ અને શિવસેના સહિત અન્ય દળોના મહાગઠબંધનની સરકાર બનાવી શકાય તેમ કહ્યું હતું.

આઠવલેએ કહ્યું હતું કે આ મહાગઠબંધનમાં મુખ્યમંત્રી પદને અડધા અડધા કાર્યકાળ માટે શિવસેના સાથે વહેંચી શકાય. તેમના કહેવા પ્રમાણે તેમણે આ મુદ્દે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે. રામદાસ આઠવલેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી તેના થોડા દિવસ બાદ આ નિવેદન આપ્યું હતું.