×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રજા ભૂખી, નેતા સુખી… કંગાળ પાકિસ્તાનમાં એકથી એક ચઢીયાતા અબજપતિ નેતા, ઈમરાન અને શાહબાઝને પણ જલસા

ઈસ્લામાબાદ, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર

ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાની હાલના દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે. અહીંના લોકો બે ટાઈમના રોટલા મેળવવામાં પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાના નેતા અને સેનાના અધિકારીઓને વાત કરીએ તો તેઓ અબજોમાં રમી રહ્યા છે. ગત એક વર્ષમાં પાકિસ્તાનો નાણાંકીય ખજાનો પણ ખાલી થવાના કગાર આવી ગયો છે, જોકે અહીંના નેતા અબજપતિ છે.

પાકિસ્તાન પર આફત પર આફત...

સૌથી પહેલા વાત કરીએ દેશની વર્તમાન હાલતની... વર્ષ 2022માં જ પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ હતી. પાકિસ્તાન પર એક પછી એક આફત આવી રહી છે. પહેલા વિનાશકારી પુરે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ડુબોડી દીધી હતી, તો હવે નાણાંકીય સંકટ પાકિસ્તાનની સમસ્યા વધારી રહ્યું છે. દેશનું વિદેશી હૂંડિયામણ ઘટીને 5.8 અબજ ડોલરે પહોંચી ગયું છે અને મોંઘવારી દર 25 ટકાની નજીક પહોંચી ગયો છે. ઘઉં અને રાંધણ ગેસની અછત પણ જોવા મળી રહી છે. રાંધણ ગેસની અછતને પહોંચી વળવા પ્લાસ્ટિક બેગમાં LPG સ્ટોર કરી રહ્યા છે.

લોટનો ભાવ આસમાનને પાર

પાકિસ્તાનમાં લોટનો ભાવ પણ આસમાનને પાર જતો રહ્યો છે. દેશના નાના-મોટા શહેરોમાં લોટ માટે અફરાતફરી જોવા મળી રહી છે. કેટલાક લોકો લોટની બોરી લેવા માટે ટ્રક પાછળ ભાગતા જોવા મળી રહ્યા છે, તો કેટલાક એકબીજા પાસેથી લોટ ઝુંટવી લેતા નજર આવી રહ્યા છે. પાકિસ્તાનમાં લોટ માટે સર્જાયેલી અફરાતફરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે પાકિસ્તાનમાં કેવું સંકટ છે, તે દર્શાવી રહ્યું છે. પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના આંકડાઓ મુજબ પાકિસ્તાનમાં 150 રૂપિયે કિલોના ભાવે લોટ વેંચાઈ રહ્યો છે.

ડુંગળી, મીઠું, ચોખા, દૂધ સહિતના ભાવો પણ આસમાને

માત્ર લોટ જ નહીં પાકિસ્તાનમાં ડુંગળીના ભાવો પણ આસમાનને પાર જતા રહ્યા છે. અહીં એક વર્ષ પહેલા ડુંગળીનો ભાવ કિલોએ રૂ.36.7 હતો, જે 6 જાન્યુઆરી-2023ના રોજ 220.4 કિલોએ વેચાઈ રહ્યી છે. બોઈલર ચિકનની પ્રતિ કિલોએ કિંમત આશરે 210.1 રૂપિયાથી વધીને 383.5 રૂપિયા, મીઠાની પ્રતિ કિલોએ કિંમત 32.9થી વધીને 49.1 રૂપિયાએ પહોંચી ગઈ હતી. આ જ સમયગાળામાં બાસમતી ચોખાની કિંમત પ્રતિ કિલોએ 100.3 રૂપિયાથી વધીને 146.6 રૂપિયા, સરસ્યાના તેલની પ્રતી લિટર કિંમત 374.6થી વધીને 532.5 રૂપિયા અને દુધની પ્રતિ લીટર કિંમત 114.8ના બદલે 149.7 રૂપિયાએ પહોંચી ગઈ છે. બ્રેડનું પેકેટ 89 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

રૉકેટની ગતીએ વધી વડાપ્રધાનની સંપત્તિ

એક તરફ દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણ ધસી પડી છે, લોકોને ખાવાના ફાફા પડી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાની સેના અને અહીંના રાજકીય નેતાઓ અબજોમાં રમી રહ્યા છે. પાકિસ્તાનના મોટાભાગના નેતાઓની વિદેશમાં પણ સંપત્તિઓ છે. પાકિસ્તાનના મુખ્ય સમાચાપત્ર ‘ધ ન્યુઝ ઈન્ટરનેશનલ’નું માનીએ તો પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોનો દાવો છે કે, માત્ર 28 વર્ષમાં શાહબાઝ શરીફ પરિવારની સંપત્તિ 21 લાખ રૂપિયાથી વધીને 700 કરોડ પાકિસ્તાની કરન્સીએ પહોંચી ગઈ હતી.

PM શાહબાઝ કરતા નવાઝ શરીફની સંપત્તિ વધુ

વડાપ્રધાન શાહબાઝ શરીફના પરિવારની સંપત્તિ વર્ષ 1990માં માત્ર 21.21 લાખ રૂપિયા હતી. જોકે NPA લાહોરના એક ડોક્યુમેન્ટ મુજબ વર્ષ 2018માં શાહબાઝનો પરિવાર 732.8 કરોડ પાકિસ્તાની કરન્સીનો માલિક બની ગયો હતો. PM શાહબાઝનું લંડનમાં એક ઘર પણ છે. જોકે શાહબાઝ શરીફની સંપત્તિ તેમના મોટાભાઈ નવાઝ શરીફ કરતા ઓછી છે. અહેવાલો અનુસાર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પાસે અંદાજીત 1.6 અબજ ડોલરની સંપત્તિ છે.

પૂર્વ આર્મી ચીફના પરિવાર પર નાણાંનો વરસાદ

પાકિસ્તાની વેબસાઈટ Fact Focus મુજબ, 29 નવેમ્બર-2022ના રોજ નિવૃત્ત થયેલા પાકિસ્તાની સેનાના પૂર્વ ચીફ જનરલ જાવેદ બાજવાના કાર્યકાળ દરમિયાન તેમના નજીકના લોકો અને પરિવારની આવક ઝડપથી વધી છે. અહેવાલોનું માનીએ તો 6 વર્ષમાં જનરલ બાજવાના પરિવારે સાડા 12 અબજ ડોલરની સંપત્તિ ઉભી કરી છે. સંપત્તિ વધવાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, બાજવાની વહુ મહનૂર સાબિર લગ્નના માત્ર 9 દિવસ પહેલા જ અબજપતિ બની ગઈ હતી. આ વાતનો ખુલાસો બાજવા નિવૃત્ત થયાના કેટલાક દિવસ પહેલા જ થયો હતો.

ઈમરાન ખાન, જરદારી, બિલાવલ ભુટ્ટો પણ અબજપતિ

વેબસાઈટ siasat.pkના અહેવાલો મુજબ અન્ય પાકિસ્તાની નેતાઓની સંપત્તિની વાત કરીએ તો, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની કુલ સંપત્તિ 50 મિલિયન ડોલર છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પાસે 1.8 અબજ ડોલરની સંપત્તિ છે. પીપીપી ચેરમેન બિલાવલ ભુટ્ટો પાસે 15 મિલિયન ડોલરની સંપત્તિ છે. બિલાવલની વર્તમાન સંપત્તિમાંથી સૌથી વધુ સંપત્તિઓ વિદેશમાં છે.