×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રજાના પૈસે, પ્રજાની ડ્યુટી માટે પ્રજાને જાણ કરવા ફોટો પડાવ્યો એમાં ખોટું કંઈ ન હતું : IAS અભિષેક

અમદાવાદ,તા.18 નવેમ્બર-2022, શુક્રવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પણ મતદાન જાગૃતિ કરી રહ્યું છે, જોકે ચૂંટણી સબંધિત IAS અધિકારી અભિષેક સિંહે તેને મળેલ જવાબદારીને સોશિયલ મીડિયામાં શૉ-ઓફ કરવા બદલ ફરજમાંથી મુક્ત કરાયો હતો, જેને લઈને આ IAS ઓફિસરે પણ ટ્વિટ કરી કહ્યું છે કે, હું ચૂંટણી પંચનો નિર્ણય સ્વીકારું છું પણ પ્રજાના પૈસે, પ્રજાની ડ્યુટી કરવા માટે પ્રજાને જાણ કરવા માટે ફોટો પડાવ્યો એમાં મેં કાઇ ખોટું નથી કર્યું.

ઈલેક્શન ઓબ્ઝર્વરને ફરજમાંથી મુક્ત કરાયા

સોશિયલ મીડિયા ઉપર IAS અધિકારી અભિષેકનો ફોટો વાયરલ થયો હતો, જે ચૂંટણી પંચને ધ્યાને આવતી પંચે આકરા પગલા લીધા હતા. ગુજરાત ચૂંટણી માટે ઈલેક્શન કમિશને બાપુનગર અને અસારવા વિધાનસભા માટે નિમેલા ઈલેક્શન ઓબ્ઝર્વર IAS અભિષેકને ફરજમાંથી મુક્ત કર્યા હતા. ચૂંટણી પંચના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, IAS અભિષેક સિંહે ઇન્સ્ટાગ્રામ પર "પોતાના પોસ્ટિંગના ફોટા" શેર કર્યા હતા અને પોતાની આધિકારીક સ્થિતિનો ઉપયોગ 'પબ્લિસિટી સ્ટંટ' તરીકે કર્યો છે.

IAS અભિષેકને જનરલ ઓબ્ઝર્વરની જવાદારી સોંપાઈ હતી

ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંઘને અમદાવાદમાં બે વિધાનસભા મતવિસ્તારો - બાપુનગર અને અસારવા માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તેમણે અધિકારીની ઇન્સ્ટા પોસ્ટને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેથી જ તેમને જનરલ ઓબ્ઝર્વરની ફરજોમાંથી આગામી આદેશો સુધી ચૂંટણી સંબંધિત કોઈપણ ફરજમાંથી છુટ્ટા કરવામાં આવે છે.

અધિકારીને તાત્કાલિક મતવિસ્તાર છોડવાનો આદેશ અપાયો હતો

આ સિવાય અધિકારીને આજે જ તાત્કાલિક મતવિસ્તાર છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. નિરીક્ષક ફરજો માટે તેમને આપવામાં આવતી તમામ સરકારી સુવિધાઓનો લાભ પણ હવે નહી મળે. મહત્વનું છે કે સિંહની જગ્યાએ અન્ય IAS અધિકારી ક્રિષ્ન બાજપાઈની આ પદ માટે નિમણૂક કરવામાં આવી છે.