×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પોસ્ટ ઓફિસ, PPF સહિતની નાની બચત યોજનાના વ્યાજદરમાં કોઇ ફેરફાર નહી

નવી દિલ્હી,તા.૩૦ માર્ચ 2022,ગુરૂવાર  

પોસ્ટ ઓફિસ, પીપીએફ, કિસાન વિકાસ પત્ર સહિત વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગુરુવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ અથવા પોસ્ટ ઓફિસ યોજનાઓ પર હાલમાં મળતા વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે નવા નાણાંકીય વર્ષ 2022-23ના એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ત્રિમાસિક માટે આ નાની બચત યોજનાના વ્યાજદર હાલના સ્તરે જળવાઇ રહેશે. 

કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સરકારે છેલ્લા બે વર્ષથી વિવિધ નાની બચત યોજના વ્યાજદર સ્થિર રાખ્યા છે. જેમાં સરકારે છેલ્લે 31 ડિસેમ્બર 2021ના રોજ નાની બચત યોજનાના વ્યાજદર અંગે સમીક્ષા કરી હતી જેમાં સતત સાતમાં ત્રિમાસિકમાં વ્યાજદર સ્થિર રખાયા હતા.

હવે નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજદરની વાત કરીયે તો એપ્રિલથી જૂન 2022ના ત્રિમાસિક માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) પર 7.1 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 7.4 ટકા, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ પર 6.8 ટકા અને કિસાન વિકાસપત્ર પર 6.9 ટકા વાર્ષિક વ્યાજદર મલશે. કેન્દ્ર સરકારે સૌથી છેલ્લે નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિકમાં વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 0.7 ટકાથી 1.4 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. 

નોંધનીય છે કે, તાજેતરમાં જ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને નાણાંકીય વર્ષ 2022 માટે પીએફનો વ્યાજદર અગાઉના 8.5 ટકાથી ઘટીને 8.1 ટકા કર્યો છે જે છેલ્લા 40 દાયકામાં સૌથી ઓછો દર છે. આ ઘટના બાદ નાની બચત યોજનાના પણ વ્યાજદર ઘટવાની ભીંતિ સેવાઇ રહી હતી.