×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૈંગોગ લેક પર ચીન અને ભારતના સૈનિકો કરશે પીછેહઠ, રાજ્યસભામાં રાજનાથસિંહનું મહત્વનું નિવેદન


- બંને દેશની સેનાઓ પોતાના સૈનિકો પરત બોલાવશે

- પૈંગોગ લેક વિવાદ મામલે ચીન સાથે સમજૂતી થઈ ગઈ છે

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારત-ચીન વિવાદને લઈ રાજ્યસભામાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે પૈંગોગ લેક પાસેના વિવાદ મામલે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ હોવાનું જણાવી બંને દેશની સેનાઓ પોતાના સૈનિકો પાછા બોલાવશે તેમ જાહેર કર્યું છે. રાજનાથ સિંહે કરેલી જાહેરાત પ્રમાણે એપ્રિલ 2020 પહેલા જે સ્થિતિ હતી તેને લાગુ કરવામાં આવશે અને અત્યાર સુધી જે નિર્માણ કાર્ય થયું છે તેને દૂર કરી દેવામાં આવશે. આ દરમિયાન જે જવાનો શહીદ થયા છે તેમને દેશ હંમેશા સલામ કરે છે. સંપૂર્ણ સદન દેશની સંપ્રભુતા મુદ્દે એકસાથે જ છે. 

ભારતે સ્પષ્ટ કર્યું છે કે LACમાં ફેરફાર નહીં થાય અને બંને દેશની સેનાઓ પોતપોતાની જગ્યાએ પહોંચી જશે. ભારત પોતાની એક ઈંચ જેટલી જમીન પણ કોઈને નહીં લેવા દે. પૈંગોગના નોર્થ અને સાઉથ કિનારાને લઈ બંને દેશ વચ્ચે સમજૂતી થઈ છે અને બંને દેશની સેના પીછેહઠ કરશે. ચીન પૈંગોગના ફિંગર 8 બાદ જ પોતાની સેનાઓ તૈનાત કરશે. 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વીય લદ્દાખની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, ગત વર્ષે ચીને ભારે સંખ્યામાં ગોળા-બારૂદ એકત્રિત કર્યા હતા અને આપણી સેનાએ ચીન વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરી હતી. સપ્ટેમ્બર મહિનાથી બંને પક્ષ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. LAC પર યથાસ્થિતિ કરવી તે જ અમારૂં લક્ષ્ય છે. ચીને છેક 1962થી જ ભારતના ઘણા હિસ્સા પર પોતાનો કબજો જમાવેલો છે. ભારતે ચીનને સરહદી સ્થિતિની અસર સંબંધો પર પડતી હોવાનું પણ જણાવેલું છે. ભારતના વીર જવાનોએ ગત વર્ષે ગાલવાન ઘાટીમાં દેશની રક્ષા માટે બલિદાન આપ્યું હતું. ભારત વાતચીતના માધ્યમથી જ ચીન સાથેના તણાવનો અંત લાવવા પ્રયત્ન કરી રહ્યું છે. 

ચીનના વિદેશ મંત્રાલયે ભારત સાથેની સહમતી બાદ બંને દેશોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ખાતેથી સૈનિકો અને ટેંકોને પરત બોલાવ્યા હોવાનો દાવો કર્યો હતો. તેના એક દિવસ બાદ એટલે કે, ગુરૂવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વીય લદ્દાખની વર્તમાન સ્થિતિ અને ભારત-ચીન વચ્ચેના સંબંધોને લઈ રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે ટ્વીટ કરીને "સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાલે (ગુરૂવારે) રાજ્યસભામાં પૂર્વીય લદ્દાખની વર્તમાન સ્થિતિની જાણકારી આપશે." તેમ જાહેર કર્યું હતું. 

ચીનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો પૂર્વીય લદ્દાખમાં ભારત સાથે જે ગતિરોધ ચાલી રહ્યો છે તેમાં સ્થિતિ ઠંડી પડી છે. બંને દેશની સેનાઓએ બુધવારથી વ્યવસ્થિત અને યોજનાબદ્ધ રીતે પીછેહઠ શરૂ કરી દીધી છે. પૈંગોગ સરોવરના ઉત્તરી અને દક્ષિણી છેડે પીછેહઠની કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ ચીનના વિદેશ મંત્રાલયે પણ આ મામલે પૃષ્ટિ આપી હતી. આ કારણે છેલ્લા 9 મહિનાથી સરહદ પર જે સંઘર્ષ વ્યાપેલો હતો તેનો સંપૂર્ણપણે અંત આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. 

જો કે, મોડી રાત સુધી ભારત દ્વારા આ મામલે કોઈ પૃષ્ટિ કે ખંડન નહોતું કરવામાં આવ્યું. જો કે આ મુદ્દા સાથે સંકળાયેલા લોકોએ બંને પક્ષ ટેંક સહિતના અન્ય હથિયારબંધ વાહનો પાછા બોલાવવાની પ્રક્રિયામાં લાગ્યા હોવાનું જણાવ્યું હતું. ગત 24મી જાન્યુઆરીના રોજ 16 કલાક સુધી ચાલેલી ઉચ્ચસ્તરીય સૈન્ય વાર્તાના 9મા તબક્કામાં ટક્કરવાળા ક્ષેત્રમાંથી ટેંક સહિતના હથિયારબંધ વાહનો પાછા બોલાવવાનું નક્કી થયું હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. 

ભારતીય સેનાના સત્તાવાર સૂત્રોએ પણ ચીની સંરક્ષણ મંત્રાલયના નિવેદનને ખોટું નહોતું ઠેરવ્યું. તેમણે અગ્રિમ મોરચે હલચલ થઈ હોવાનું જણાવી ટૂંક સમયમાં સ્થિતિ સ્પષ્ટ થશે તેવો દાવો કર્યો હતો. સાથે જ ભારત વાસ્તવમાં ચીન જમીન પર જે પગલા ભરે તે મુજબ વર્તશે તેમ પણ જણાવ્યું હતું.