×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેપર લીક કૌભાંડ : હૈદ્રાબાદના પ્રેસમાં પેપર છપાવાનું છે એ માહિતી આરોપીઓને કોણે આપી


વડોદરા : પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૨૯મી જાન્યુઆરીએ લેવાનારી જુનિયર ક્લાર્ક (વર્ગ ૩)ની પરીક્ષાનું પેપર ફૂટવાના કૌભાંડમાં અમદાવાદ એટીએસએ આંતરરાજ્ય ગેંગના ૧૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આજે આ ૧૫ આરોપીઓને એટીએસ દ્વારા વડોદરા કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી તેની સામે કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રિન્ટિંગ પ્રેસનો લેબર શ્રધ્ધાકર ઉપરાંત સરોજ, ચિરાયુ અને ઇમરાન હજુ એટીએસના હાથમાં આવ્યા નથી, ૧૫ આરોપીઓના ૧૨ દિવસના રિમાન્ડ પર



અમદાવાદ એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.પટેલે વડોદરા કોર્ટ સમક્ષ રિમાન્ડ માટેના કારણો રજૂ કર્યા હતા કે પેપર લીક કૌભાંડમાં પકડાયેલા ૧૫ આરોપીઓ ઉપરાંત નહી પકડાયેલા ચાર આરોપીઓ મળીને ૧૯ આરોપીઓ સિવાય અન્ય કોઇની સંડોવણી છે કે નથી તેની તપાસ કરવાની બાકી છે. આ કૌભાંડમાં સરકારી કર્મચારી કે અધિકારીની સંડોવણીની પણ શંકા છે ઉપરાંત આ પેપર હૈદ્રાબાદના કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવાનું છે તેની માહિતી આરોપીઓને કોણે આપી ? તે અંગે પણ તપાસ કરવાની બાકી છે.


જ્યારે આ આરોપીઓએ અત્યાર સુધીમાં કોને, કેટલી કિંમતમાં પેપરો આપ્યા ? આ પેપર સિવાય અગાઉ અન્ય કોઇ સરકારી નોકરી અંગેના ગુજરાત કે અન્ય રાજ્યોમાં પેપર લીક કૌભાંડ આચરેલુ છે કે નહી ? અગાઉ પેપર લીક ઉપરાંત અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે નહી ? તેની તપાસ કરવાની છે. આ કેસના મુખ્ય આરોપી પૈકી એક કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસનો લેબર શ્રધ્ધાકર લુહા ઉપરાંત સરોજ, ચિરાયુ અને ઇમરાન એમ ચાર આરોપીઓ હજુ વોન્ટેડ છે તેઓને પકડીને આ ૧૫ આરોપીઓ સાથે રાખીને પૂછપરછ કરવાની બાકી છે. આરોપીઓ પ્રદીપ નાયક અને મુરારી પાસવાન વડોદરા, સુરત અને હૈદ્રાબાદની હોટલોમાં રોકાઇને કૌભાંડને અંજામ આપ્યો હતો તો તે અંગેની તપાસ બાકી છે માટે ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે.

આ મામલે સરકારી વકીલ અનિલ દેસાઇએ કરેલી રજૂઆતો અને એટીએસએ રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને રાખીને વડોદરા કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.