×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ-ડીઝલ પછી સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો





(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૮

દેશની રાજધાની અને તેની આજુબાજુના વિસ્તારોમાં પેટ્રોલ પછી સીએનજી અને  પાઇપલાઇનથી પૂરા પાડવામાં આવતા રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં વાહનો માટે સીએનજી અને પાઇપલાઇનથી રાંધણ ગેસ પૂરી પાડતી કંપનીએ એક કિલો સીએનજીના ભાવમાં ૯૦ પૈસા અને સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ રાંધણ ગેસના ભાવમાં ૧.૨૫ રૃપિયાનો વધારો કર્યો છે. 

દિલ્હીમાં એક કિલો સીએનજીનો ભાવ ૪૩.૪૦ રૃપિયાથી વધીને ૪૪.૩૦ રૃપિયા થઇ ગયોે છે. દિલ્હીની બાજુમાં આવેલા નોઇડા. ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીનો ભાવ ૪૯.૦૮ રૃપિયાથી વધીને ૪૯.૯૮ રૃપિયા થઇ ગયો છે. સ્થાનિક કરવેરાના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં સીએનજી અને પીએનજીના ભાવ જુદા જુદા જોવા મળે છે. 

દિલ્હીમાં પાઇપ્ડ નેચરલ ગેસ(પીએનજી)નો ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ ૧.૨૫ રૃપિયા વધીને ૨૯.૬૬ રૃપિયા થયો છે. જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં આ પીએનજીનો ભાવ વધીને ૨૯.૬૧ રૃપિયા થઇ ગયો છે. 

સીએનજી અને પીએનજીનો ભાવ એવા સમયે વધારવામાં આવ્યો છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધવાને કારણે નવી ટોચે પહોંચી ગયા છે. 

બીજી તરફ આજે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો છે. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૦.૦૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦.૫૬ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૦૬.૫૯ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૯૭.૧૮ રૃપિયા થઇ ગયો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૭૩ ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કિમ અને દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. જ્યારે રાજસ્થાન, ઓડિશા અને મધ્ય પ્રદેશમાં ડીઝલ પણ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે.