×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ મુંબઈમાં પેટ્રોલ રૂ.94 નજીક


આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 60 ડોલરને પાર  મુંબઇમાં એક લિટર ડીઝલનો ભાવ રૂ. 84.36

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. 84.57 અને ડીઝલનો રૂ. 83.43એ પહોંચી ગયો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 ફેબ્રુઆરી, 2021, મંગળવાર

ત્રણ દિવસના વિરામ પછી આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરીથી નવી ટોચે પહોંચી ગયા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર આજે એક લિટર પેટ્રોલ અને એક લિટર ડીઝલ બંનેના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. 

આજના વધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 87.30 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 77.48 રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 93.83 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 84.36 રૂપિયા થઇ ગયો છે. 

આ અગાઉ પાંચ ફેબુ્રઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડોલરને પાર થયો હતો. છેલ્લા એક વર્ષમાં પ્રથમ વખત ક્રૂડનો ભાવ 60 ડોલરને પાર થયો છે. સમગ્ર વિશ્વમાં કોરોના સામેનું રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવતા અને માગ વધતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યાં છે. 

ગયા સપ્તાહમાં દેશની ત્રીજી સૌથી મોટી ઓઇલ કંપની એચપીસીએલના વડા મુકેશકુમાર સુરાનાએ જણાવ્યું હતું કે સઉદી અરેબિયા દ્વારા ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 થી 30 ટકા જ પડતર હોય છે બાકીની રકમ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયુટી, રાજ્ય સરકારનો વેટ અને પેટ્રોલ પંપનું કમિશન હોય છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર 31.83 રૂપિયા એક્સાઇઝ ડયુટી, 10.99 રૂપિયા વેટ વસૂલવામાં આવે છે. માર્ચની મધ્યથી અત્યાર સુધીમાં એક લિટર પેટ્રોલમાં 17.71 રૂપિયાનો વધારો થયો છે.જ્યારે ડીઝલમાં 15.19 રૂપિયાનો વધારો થયો છે.