×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર, ૩ બેઠકો જીતી, ભાજપને આપ્યો મોટો આંચકો

image : Twitter


મહારાષ્ટ્ર પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપ પોતાની પ્રતિષ્ઠિત બેઠક જાળવવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપની આ બેઠક પર કોંગ્રેસે લાંબા સમય બાદ જીતી હાંસલ કરી છે. ભાજપ પાસેથી ગઢ પર કબજો જમાવવો એ કોંગ્રેસની મોટી ઉપલબ્ધિ મનાઈ રહી છે. જ્યારે તમિલનાડુ અને પ.બંગાળમાં પણ કોંગ્રેસે એક એક બેઠક જીતી લીધી છે. 

ભાજપનો ગઢ છિનવાયો, કોંગ્રેસની જીત

મહારાષ્ટ્રની કસ્બા પેઠ અને ચિચવાડ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આ બંને બેઠકોમાંથી ભાજપની ગઢ કહેવાતી કસ્બા પેઠ પર કોંગ્રેસ-NCP ગઠબંધને કબજો જમાવ્યો છે. આ બેઠકમાં 27 વર્ષથી ભાજપ પાસે હતી, જોકે હવે કોંગ્રેસની જીત થઈ છે. આ બેઠક પર રાજ્યમાં સત્તાધારી ગઠબંધન પક્ષ ભાજપ-શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ગઢ પર કોંગ્રેસે પગદંડો જમાવી દીધો છે, તો ગઢ કહેવાતી કસ્બા પેઠ બેઠકની પ્રતિષ્ઠા જાળવવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે. 

ભાજપના ઉમેદવારની 10 હજારથી વધુ મતોથી હાર

કસ્બા પેઠ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધંગેકર અને ભાજપના ઉમેદાવાર હેમંત રસાને વચ્ચે ચૂંટણી જંગ હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ભાજપના ઉમેદવારને 10,000થી વધુ મતોથી પરાજય આપ્યો છે. ધંગેકરને 72,599 મત મળ્યા હતા, તો આ મતવિસ્તારમાં હેમંત રસાનેને 20 રાઉન્ડના અંતે 61,771 મતો મળ્યા છે. પોતાની જીતનો શ્રેય મતદારોને આપતા ધાંગેકરે જણાવ્યું કે, આ મતદારોની જીત છે કારણ કે તેઓએ મને જીતાડવાની જવાબદારી લીધી હતી. હું મતવિસ્તારના લોકો માટે સખત મહેનત કરીશ અને મારા પર મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, NCP નેતા અજિત પવાર અને શિવસેના (UBT)ના આદિત્ય ઠાકરેએ તેમને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. 

કસ્બા પીઠ બેઠક છિનવાતા ભાજપે કહ્યું, ‘મંથન કરીશું’

ભાજપે કહ્યું કે, કેટલીક ખામીઓ રહી ગઈ હશે, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. હારનું વિશ્લેષણ કરીને ખામીઓ દૂર કરવા વિચારણા કરાશે. બીજીતરફ મહારાષ્ટ્રની ચિંચવાડ બેઠક પર ભાજપની જીત થઈ છે. ચિંચવાડ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ જગતાપની પત્ની અશ્વિની જગતાપનો વિજય થયો છે. તેમણે NCPના નાના કાટેને હરાવી દીધા છે. ભાજપે ભલે એક બેઠક બચાવી હોય, પરંતુ કસ્બા પેઠ બેઠક ગુમાવવી તેના માટે મોટો આંચકો મનાય છે.

કસ્બા પીઠ-ચિંચવાડ બેઠક પર 26 ફેબ્રુઆરીએ થયું હતું મતદાન

મહારાષ્ટ્રમાં બે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ગયા છે. આ બેઠકો કસ્બા પીઠ અને પિંપરી-ચિંચવાડ છે. આ બેઠકો ભાજપના દિવંગત ધારાસભ્યો મુક્તા તિલક અને લક્ષ્મણ જગતાપના નિધન બાદ ખાલી પડી હતી, જેના પર પેટાચૂંટણી માટે 26 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.

તમિલનાડુમાં કોંગ્રેસનો વિજય 

તમિલનાડુની ઈરોડ પૂર્વ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ઇવીકેએસ એલંગોવન એઆઇએડીએમકેના કે.એસ થેન્નારાસ્રુને હરાવીને ધારાસભ્ય બન્યા છે. આ સીટ પર એલંગોવનના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય ઈ થિરુમહન ઈવરાના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની નિશ્ચિત છે કારણ કે દરેકને આશા હતી. અમારી પાર્ટીના લોકોને જીતનો ઘણો વિશ્વાસ છે અને અમે મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ. ડીએમકે-કોંગ્રેસનું ગઠબંધન હતું, જેનો ફાયદો કોંગ્રેસને થયો છે. 

પશ્ચિમ બંગાળમાં પણ જીતી 

પશ્ચિમ બંગાળની સાગરદિઘી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી ટીએમસી નેતા સુબ્રત સાહાના નિધનને કારણે યોજાઈ હતી. અહીંથી ટીએમસીએ દેબાશીષ બેનર્જી, ભાજપને દિલીપ સાહા અને કોંગ્રેસે બાયરન બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે ટીએમસી પાસેથી આ સીટ છીનવી લીધી છે. કોંગ્રેસના બાયરન બિસ્વાસ ટીએમસીના દેબાશીષ બેનર્જીને હરાવીને ધારાસભ્ય બન્યા છે. બંગાળમાં કોંગ્રેસ બે વર્ષ પછી ખાતું ખોલવામાં સફળ રહી છે. પાર્ટીને 2021ની વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી.