×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયતથી અર્બુદા સેના રોષમાં, આંદોલનની ચીમકી


- ચૌધરી સમાજના યુવાનોના 'અર્બુદા સેના' નામના સંગઠનની રચના કરવામાં આવેલી છે જેના અધ્યક્ષ વિપુલ ચૌધરી છે

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચે બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીના ગાંધીનગર ખાતેના પંચશીલ ફાર્મહાઉસ ખાતેથી તેમની અટકાયત કરી હતી. સાથે જ વિપુલ ચૌધરીના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે. 

વધુ વાંચોઃ 320 કરોડની ઉચાપતના કેસમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયત

જોકે વિપુલ ચૌધરીની અટકાયત બાદ અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે અને અર્બુદા સેનાના તમામ સભ્યો વિપુલ ચૌધરીના નિવાસ સ્થાને એકત્રિત થયા હતા. તેઓ સૌ સરકારે જે રીતે વિપુલ ચૌધરીની અટકાયત કરી તેનાથી રોષે ભરાયા છે અને સરકાર સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે. 

અર્બુદા સેનાના સદસ્યોના કહેવા પ્રમાણે રાજ્યના પૂર્વ ગૃહમંત્રીની આ પ્રકારે ધરપકડ કરવી તે યોગ્ય નથી અને અર્બુદા સેના આ મામલે સરકાર સામે આંદોલન પર ઉતરશે. 

ઉલ્લેખનીય છે કે, ચૌધરી સમાજના યુવાનોના 'અર્બુદા સેના' નામના સંગઠનની રચના કરવામાં આવેલી છે જેના અધ્યક્ષ વિપુલ ચૌધરી છે. વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવીને સંગઠન મજબૂત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો ત્યારે તેમની અટકાયત બાદ મહેસાણાનું રાજકારણ ગરમાયું છે. 

ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીને અગાઉ પણ જેલના હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી ઉત્તર ગુજરાતના રાજકારણમાં પણ અસર પાડી શકે છે. 

અગાઉ 2020માં બનાસ ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ થઈ હતી. વિપુલ ચૌધરી 2014માં દૂધસાગર ડેરીના વડા હતા પરંતુ ભ્રષ્ટાચારના આરોપોના કારણે તેમને અમૂલ અને દૂધસાગર એમ બંનેમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. 

વિપુલ ચૌધરી પર પશુ આહારમાં 22 કરોડના કૌભાંડનો આરોપ હતો. 2018માં ટ્રિબ્યુનલ કોર્ટે રૂ. 22 કરોડના કથિત કૌભાંડના સંબંધમાં વિપુલ ચૌધરીને સસ્પેન્ડ કર્યા હતા. વર્ષ 2020માં CIDના અધિકારીએ જણાવ્યું હતું કે વિપુલ ચૌધરીને કોર્ટે કૌભાંડના 40 ટકા એટલે કે 9 કરોડ રૂપિયા ચુકવવા કહ્યું હતું. તે કેસમાં ચૌધરી અને મહેસાણા દૂધસાગર ડેરીના 4 વર્તમાન અધિકારીઓ સામે કાવતરૂ ઘડવાનો આરોપ હતો. તેમણે સૌએ 14.80 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તે પૈસા ડેરી નિગમના 1932 કર્મચારીઓને આપવાના હતા. ત્યાર બાદ ગાંધીનગરના CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી હતી અને ચૌધરીની ગાંધીનગરથી ધરપકડ થઈ હતી.