×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીઓકે, બલુચિસ્તાન અને સિંધમાં તાલિબાની આતંકવાદીઓની હાજરી



વૉશિંગ્ટન, તા. ૨૦
સિંધની આઝાદી માટે લડત ચલાવતા પાકિસ્તાનના નાગરિક ઝફર સહિતોએ દાવો કર્યો હતો કે પીઓકે, બલુચિસ્તાન, સિંધમાં તાલિબાની આતંકવાદીઓની હાજરી હોવાથી ભારત માટે ચિંતા વધશે. અમેરિકામાં રહેતા આ પાકિસ્તાન નાગરિકે કહ્યું હતું કે પાક. આર્મી જ તાલિબાનોને તાલીમ આપે છે.
સિવિલ એન્જિનિયર ઝફર સહિતો ૨૦૧૫થી સિંધમાં માનવ અધિકારો માટે લડત ચલાવે છે અને અમેરિકામાં રહીને સિંધ ફ્રીડમ મૂવમેન્ટ ચલાવે છે. આ માનવ અધિકાર કાર્યકરે દાવો કર્યો હતો કે માત્ર અફઘાનિસ્તાનમાં જ નહીં, પરંતુ તાલિબાની આતંકવાદીઓની હાજરી કાશ્મીરની સરહદે પણ છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર ઉપરાંત બલુચિસ્તાન અને સિંધમાં તાલિબાની આતંકવાદીઓ મોજુદ છે.
ઝફરના દાવા પ્રમાણે આ આતંકવાદીઓને પાકિસ્તાનની સરકારની સહમતીથી પાકિસ્તાની આર્મીએ તાલીમ આપી છે. પાકની નાપાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આ તાલિબાનીઓને તાલીમ આપીને આતંકવાદ ફેલાવવા તૈયાર કરે છે.
એક મુલાકાતમાં ઝફર સહિતોએ કહ્યું હતું કે જો તાલિબાની આતંકવાદીઓને ઉગતા જ ડામી દેવામાં નહીં આવે તો એ માત્ર અફઘાનિસ્તાન માટે જ નહીં, પરંતુ પશ્વિમ એશિયાના દેશો સહિત આખા વિશ્વ માટે ખતરનાક બની જશે. ઝફરે તો એવો પણ સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે તાલિબાને અફઘાનિસ્તાન કબજે કર્યું એમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સક્રિય ભૂમિકા હતી. આઈએસઆઈની મદદથી જ તાલિબાનોએ આ કારસ્તાન પાર પાડયું હતું.
ઝફર સહિતોએ વિશ્વના શક્તિશાળી દેશોને તાલિબાની આતંકવાદીઓનો ખાતમો બોલાવવાની અપીલ કરી હતી. તેણે ઉમેર્યું હતું કે અફઘાનિસ્તાનના સરેરાશ નાગરિકો તાલિબાનોના ત્રાસથી પરેશાન થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ દેશના નાગરિકો એકઠા થઈને તાલિબાનોને પડકાર આપશે. ઝફરે કહ્યું હતું કે જો યોગ્ય તપાસ થાય તો તાલિબાનને તાલીમ આપવામાં પાકિસ્તાનની સરકારોની સંડોવણી સામે આવે તેમ છે.