×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ કિસાન યોજનાઃ PM મોદીની ખેડૂતોને ભેટ, આ રીતે ચેક કરો ખાતામાં રૂ. 2,000 આવ્યા કે નહીં


- યોજનાના 8મા હપ્તા અંતર્ગત 9.5 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારો માટે 19,000 કરોડ રૂપિયાથી વધારે રાશિ જાહેર કરાઈ

નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો 8મો હપ્તો જાહેર કરી દીધો છે. તે અંતર્ગત 9.5 કરોડ લાભાર્થી ખેડૂત પરિવારો માટે 19,000 કરોડ રૂપિયાથી વધારે રાશિ જાહેર કરી દેવામાં આવી છે. મતલબ કે હવે 9.5 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં (બેંક એકાઉન્ટમાં) પીએમ કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયા પહોંચી જશે. 

ડિસેમ્બર 2018માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ફક્ત એ ખેડૂતોને જ મળે છે જેમના પાસે 2 હેક્ટર કે તેનાથી પણ ઓછી ખેતીની જમીન હોય. 

આ રીતે ચેક કરો ખાતાની વિગતો

1. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. 

2. વેબસાઈટની જમણી બાજુ આપવામાં આવેલા 'ફાર્મર્સ કોર્નર' પર ક્લિક કરો. 

3. 'ફાર્મર્સ કોર્નર'ની નીચે 'બેનિફિશિયરી સ્ટેટસ'નું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. 

4. હવે એક નવું પેજ ખુલશે જ્યાં આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર કે મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 

5. હવે જે નંબર પસંદ કર્યો હોય તે ભરો અને 'ગેટ ડેટા' પર ક્લિક કરો. આટલું કર્યા બાદ તમને તમારા તમામ હપ્તાની જાણકારી મળી જશે. 

પૈસા ન મળે તો શું કરવું

જો તમે આ યોજનાના લાભાર્થી હોવ અને તમને 8મો હપ્તો ન મળ્યો હોય તો તમે પીએમ કિસાન સન્માન નિધિનો હેલ્પલાઈન નં- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 ઉપર કોલ કરી શકો છો. તે સિવાય તમે સત્તાવાર ઈ-મેઈલ આઈડી pmkisan-ict@gov.in પર તમારી ફરિયાદ પણ મેઈલ કરી શકો છો. 

કોને લાભ ન મળે

યોજનાના નિયમો પ્રમાણે એવા કોઈ પણ સેવાનિવૃત્ત કર્મચારી કે પેન્શનર જેનું માસિક પેન્શન 10,000 રૂપિયા કે તેનાથી વધારે છે તેઓ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. રજિસ્ટર્ડ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વાસ્તુકારો તથા તેમના પરિવારના સદસ્યો પણ આ યોજનાનો લાભ નહીં લઈ શકે.