×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાર્ટી નહીં હવે સરકાર તરફથી થશે રથ યાત્રા! જળ શક્તિ મંત્રાલયે રાજ્યોને મોકલી એડવાઈઝરી


- 15મા નાણા આયોગ સાથે જોડાયેલા અનુદાનથી ગ્રામ પંચાયતોને તેમની સુનિશ્ચિત જળપૂર્તિ અને સ્વચ્છતા સંબંધી યોજનાઓને લાગુ કરવા માટે વધારે ધનરાશિ ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર, 2021, શનિવાર

1990માં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ આડવાણી દ્વારા યોજવામાં આવેલી રથ યાત્રાએ અનેક રાજનેતાઓને પ્રેરિત કર્યા છે. ત્યાર બાદ અનેક રાજકીય પક્ષો પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન રથ યાત્રાનો ઉપયોગ કરવા લાગ્યા. હવે એવું લાગે છે કે, નોકરશાહોએ પણ સત્તાવાર અભિયાન શરૂ કરવા માટે રથ યાત્રા શબ્દનો ઉપયોગ કરવો શરૂ કરી દીધો છે. 

એક અહેવાલ પ્રમાણે જળ શક્તિ મંત્રાલય અંતર્ગત પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં 15મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી 'સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ રથ યાત્રા' શરૂ કરવા માટે રાજ્ય સરકારોને એક એડવાઈઝરી મોકલી છે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને 'રથ યાત્રા' આયોજિત કરી શકે છે. 25 ઓગષ્ટના રોજ મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 36 'સ્વતંત્ર રથ' રાજ્યોની રાજધાનીઓમાંથી તમામ જિલ્લાઓમાં જઈ શકશે. આ દરમિયાન તેઓ 'સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ'ના સંદેશાને ફેલાવશે અને દિવસના અંતે સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ સ્થાને એકઠા થશે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, આગામી 5 વર્ષ એટલે કે, 2025-26 સુધી ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને સાફ પાણી અને સ્વચ્છતા માટે 1,42,084 કરોડ રૂપિયાનું સશર્ત અનુદાન સ્વીકૃત કરવામાં આવ્યું છે. 

જળ શક્તિ મંત્રાલયે કહ્યું હતું કે, 15મા નાણા આયોગ સાથે જોડાયેલા અનુદાનથી ગ્રામ પંચાયતોને તેમની સુનિશ્ચિત જળપૂર્તિ અને સ્વચ્છતા સંબંધી યોજનાઓને લાગુ કરવા માટે વધારે ધનરાશિ ઉપલબ્ધ થશે. ગ્રામ પંચાયતો 'સેવા વિતરણ' પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક 'સાર્વજનિક સેવાઓ' તરીકે મહત્વપૂર્ણ કામ કરી શકે છે.