×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાક.માં બીજા દિવસે પણ ભડકો, કુલ 7નાં મોત : વડાપ્રધાનનું ઘર સળગાવ્યું


- ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાન આઠ દિવસના રિમાન્ડ પર

- માત્ર પંજાબમાં જ 14 સરકારી ઇમારતો ખાખ, પોલીસના 21 વાહન આગ હવાલે, 1200ની ધરપકડ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસાનો માહોલ છે. હિંસામાં અત્યાર સુધીમાં સાત લોકો માર્યા ગયા છે. જ્યારે ઇમરાન ખાનના સમર્થકો દ્વારા અનેક સરકારી ઇમારતોને આગ લગાવી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે ઇમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચુકેલા શાહ મહમૂદ કુરૈશીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ ઇમરાન ખાનને પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટ દ્વારા આઠ દિવસની રિમાંડ પર મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ઇમરાન ખાનના સમર્થકોએ પાક.ના વડાપ્રધાન શાહબાઝ શરીફનું એક ખાનગી ઘર સળગાવી દીધુ હોવાના અહેવાલો છે. હાલ પાકિસ્તાનના દરેક મોટા શહેરોમાં સૈન્યને તૈનાત કરી દેવામાં આવી છે.  

ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં ઘૂસીને પાકિસ્તાની રેંજર્સ ઇમરાન ખાનને ઉઠાવી ગયા હતા. જે બાદ બીજા દિવસે તેમને ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટમાં હાજર કરાયા હતા. ન્યાયાધીશ મુહમ્મદ બશીર દ્વારા ઇમરાન ખાનને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો, જે ઇમરાન ખાનની આ મામલે પૂછપરછ કરશે. અગાઉ આ જ ન્યાયાધીશ પાક.ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પુત્રી મરીયમ નવાઝને પણ ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવી ચુક્યા છે. સુનાવણી દરમિયાન એજન્સીના વકીલે કહ્યું હતું કે ઇમરાન ખાનને ૧૪ દિવસના રિમાંડ પર મોકલવામાં આવે. જોકે બાદમાં ઇમરાન ખાનને આઠ દિવસના રિમાંડ પર મોકલવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન પર આરોપ છે કે તેણે સરકારી ખજાનામાં લૂટ ચલાવી હતી. 

બીજી તરફ પાકિસ્તાનની સૈન્યને હાલ હિંસાને કાબુ કરવા માટે પંજાબ, ખૈબર, પખતુંખ્વા, બલોચિસ્તાનમાં તૈનાત કરવામાં આવી છે.  છેલ્લા ૨૪ કલાકમાં પાકિસ્તાનમાં વિવિધ સ્થળે થયેલી હિંસામાં સાત લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘવાયા છે. માત્ર પંજાબ પ્રાંતમાં જ ઇમરાનના સમર્થકો દ્વારા ૧૪ સરકારી ઇમારતો અને ૨૧ પોલીસ વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી. મહિલાઓ સહિત પોલીસે અત્યાર સુધીમાં ૧૨૦૦ લોકોની ધરપકડ કરી છે. જે બધા જ ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇના કાર્યકર્તાઓ અને નેતાઓ છે. બુધવારે પણ લાહોર અને અન્ય શહેરોમાં સ્થિતિ તંગદીલ રહી હતી. લાહોર પાકિસ્તાનના અન્ય ભાગોથી વિખુટુ પડી ગયું હતું કેમ કે ઇમરાન ખાનના સમર્થકો દ્વારા લાહોરના દરેક રોડ પર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા.  

ઇમરાન ખાનનો પક્ષ પીટીઆઇ તેમના પ્રમુખના બચાવ માટે હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે જેમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો છે કે જેને કારણે ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકોએ પાક.ના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફનંઇ ઘર પણ ફૂંકી માર્યું હોવાના અહેવાલો છે. પ્રદર્શનકારીઓએ સત્તાધારી પક્ષ પીએમએલ-એનની સેંટ્રલ ઓફિસને પણ આગ લગાવી દીધી હતી. સરગોઘા કેંટમાં પાકિસ્તાની સૈન્યના સ્મારકમાં પણ ભારે તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓએ એક બેંકને પણ લૂટી લીધી હોવાના અહેવાલો છે. ઇમરાન ખાનના સમર્થકો રોડ પર મશાલ સાથે જોવા મળ્યા હતા, દરમિયાન સૈન્ય દ્વારા ટોળાને વિખેરવા માટે રાતભર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યારે ઇમરાન ખાનના સમર્થકો દ્વારા સૈન્યના જનરલ ફૈસલ નસીરના ઘરને પણ આગ લગાવી દીધી હતી. તેથી હાલ પાકિસ્તાનમાં સૈન્ય અને ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે.