×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાક.ને આતંક ફેલાવવો ભારે પડયો : ગ્રે લિસ્ટમાં જ રહેશે


સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત સંગઠનો અને આતંકીઓને સજા આપવામાં પાકિસ્તાન નિષ્ફળ : એફએટીએફ

ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય પશ્ચિમી દેશોની ભેદભાવ ભરી નીતિ : દોષનો ટોપલો અન્ય દેશો પર ઢોળી પાકે. સંતોષ માન્યો

ગ્રે લિસ્ટમાં રહેવાથી પાક. આર્થિક રીતે વધુ કંગાળ થઇ જશે, આતંકવાદ સામે કાર્યવાહી સિવાય બીજો કોઇ વિકલ્પ નહીં

ઇસ્લામાબાદ, તા. ૨૫

આતંકીઓને મદદ કરી ભારત પર હુમલા કરાવવા પાકિસ્તાનને ભારે પડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનો આતંકવાદ ફરી ખુલ્લો પડયો છે. એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર નથી કાઢ્યું અને તેમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે પાક.ની મુશ્કેલી વધી શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેને કોઇ આર્થિક મદદ કરવા પણ તૈયાર નહીં થાય.

ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠક યોજાઇ હતી, જેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે હવે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક ફટકો લાગવા જઇ રહ્યો છે. પહેલા જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી ચાલી રહી છે એવામાં ગ્રે લિસ્ટમાં જ રાખવાના નિર્ણયથી સ્થિતિ વધુ કફોડી બની જશે.

એફએટીએફના અધ્યક્ષ માર્કસ પ્લિયરનું કહેવું છે કે પાકિસ્તાન પર નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન હજુ પણ એફએટીએફના અનેક મુદ્દાઓનો અમલ કરવા જોઇએ તેટલા પ્રયાસો નથી કરી રહ્યું. તેની આ નિષ્ફળતાઓને પગલે જ તેને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. મની લોન્ડરિંગનો ખતરો પણ વધી ગયો છે. તેનાથી ભ્રષ્ટાચાર અને સંગઠિત અપરાધ વધે છે તેમ પણ એફએટીએફએ કહ્યું હતું.

આ સાથે જ એફએટીએફએ પાકિસ્તાન પર દબાણ વધારી દીધુ છે. એજન્સીએ કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિંત આતંકીઓ અને તેના સંગઠનો સામે કાર્યવાહી કરી સજા આપવાનું કામ પાકિસ્તાને પુરુ કરવાનું છે. એફએટીએફની રિપોર્ટ મુજબ પાકિસ્તાને ૨૭ મુદ્દાઓમાંથી બહુ જ ઓછા મુદ્દાઓને પુરા કર્યા છે. બીજી તરફ પાકિસ્તાન હવે દોષનો ટોપલો પશ્ચિમી દેશો પર ઢોળવા લાગ્યું છે અને એફએટીએફમાં જ રાખવાના નિર્ણયને પશ્ચિમી દેશોનો ભેદભાવ ગણાવ્યો છે.