×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન સહિત વિદેશી મીડિયામાં છવાઈ ‘ભારત જોડો યાત્રા’ : રાહુલ ગાંધી વિશે લખી મોટી વાત

નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી-2023, સોમવાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી શરૂ થઈ, જેની આજે શ્રીનગરમાં પૂર્ણાહૂતિ થઈ છે. રાહુલ ગાંધી તેમની આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી. રાહુલ ગાંધીએ તેમની ‘ભારત જોડો યાત્રા’ અંગે કહ્યું કે, તેમની આ યાત્રા બેરોજગારી, મોંઘપારી, નફરત, હિંસા વગેરે સમાજને તોડનારા કારણો વિરુદ્ધમાં છે. રાહુલ ગાંધીએ 3570 કિલોમીટર આ યાત્રા પગપાળા પૂર્ણ કરી હતી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સમાચાર પત્રોમાં પણ છવાયેલા રહ્યા હતા. કોંગ્રેસની આ યાત્રાને ભારત ઉપરાંત વિદેશી મીડિયામાં પણ બહોળું કવરેજ મળ્યું છે. ઈસ્લામિક દેશો ખાસ કરીને પાકિસ્તાન, યુએઈ, તુર્કી વગેરે દેશોના અખબારોએ રાહુલ ગાંધીની યાત્રા પર ઘણા આર્ટિકલ છાવ્યા, તો જાણીએ વિદેશી મીડિયાઓએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે શું શું છાપ્યું...


પાકિસ્તાનની મીડિયાએ શું કહ્યું ?

પાકિસ્તાનનું અગ્રણી સમાચાર પત્ર ‘ડૉન’એ લખ્યું છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દ્વારા બુરખો પહેરેલી શાળાની વિદ્યાર્થીનો હાથ પકડ્યો, તે દર્શાવે છે કે, તેઓ પણ ગાંધી અને નહેરુની વિચારધારામાંથી આવે છે. અખબારે તેના લેખમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી 5 મહિનાની ભારત જોડો યાત્રા દ્વારા પોતાના 'બીમાર' પક્ષ અને દેશની ખરાબ હાલત સુધારવાનો પ્રયાસ કરવા ઈચ્છે છે. પાકિસ્તાનના અન્ય અગ્રણી અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને લેખમાં લખ્યું છે કે, રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસમાં નવો પ્રાણ પૂરવાનો પ્રયાસ કર્યો છે. અખબાર લખે છે કે આ યાત્રાએ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.


કતારના અલ જઝીરાએ શું કહ્યું?

મુસ્લિમ દેશ કતારમાં આવેલા આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટર અલજઝીરાએ તેના અહેવાલમાં લખ્યું છે કે, દેશની સાંપ્રદાયિક સૌહાર્દ બગડી છે અને રાહુલ ગાંધી નફરત વચ્ચે દેશને પ્રેમથી જોડવાનું કામ કરી રહ્યા છે.


યુએઈના ખલીજ ટાઈમ્સે શું કહ્યું?

ઈસ્લામિક દેશ યુનાઈટેડ આરબ અમીરાતના ખલીજ ટાઈમ્સ સમાચાર પત્રે લખ્યું છે કે, કેટલાક લોકોને લાગે છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે મોટાભાગના લોકો હજુ પણ રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતા નથી. રાહુલ યાત્રા દ્વારા તેમની છબી સુધારવાનો ચોક્કસપણે પ્રયાસ કરી રહ્યા છે.


તુર્કીની સરકારી બ્રોડકાસ્ટરમાં પણ છવાઈ ‘ભારત જોડો યાત્રા’

મુસ્લિમ દેશ તુર્કીની સરકારી બ્રોડકાસ્ટર TRT વર્લ્ડમાં છપાયેલા લેખમાં લખાયું છે કે, કોંગ્રેસે મોદી સરકાર પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ લગાવીને આ યાત્રા શરૂ કરી હતી. સમાચાર એજન્સી રોયટરને ટાંકીને અહેવાલમાં લખાયું છે કે, ભારતના ઘણા લોકો હજુ પણ કોંગ્રેસ પક્ષથી આશા રાખી રહ્યા છે. કોંગ્રેસ એ પાર્ટી છે જેણે 1947માં ભારતને આઝાદી અપાવી અને દાયકાઓ સુધી સત્તામાં રહી.


બ્રિટન

લંડનમાં આવેલ રોઈટર્સે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે અહેવાલમાં લખ્યું છે કે, પોતાના અહેવાલમાં રોયટર્સ લખે છે કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોયટર્સના અહેવાલમાં લખાયું છે કે રાહુલ ગાંધીની યાત્રામાં મોટી ભીડ જોવા મળી હતી. યાત્રામાં નફરત અને સાંપ્રદાયિકતા વિરુદ્ધ લોકો રાહુલ ગાંધીને સાથ આપી રહ્યા છે. આ યાત્રાથી રાહુલ ગાંધીની છબી બદલાઈ રહી છે અને તેમની લોકપ્રિયતા વધી છે, જોકે કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં આ લોકપ્રિયતાને જંગી મતોમાં તબદીલ કરી શકશે નહીં.


જર્મની

જર્મનીની સરકારી બ્રોડકાસ્ટર ડોઈશ વેલે તેના લેખમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પક્ષ આ યાત્રા દ્વારા રાહુલ ગાંધીને લોકોના નેતા તરીકે સ્થાપિત કરવા ઈચ્છે છે. અખબારે લખ્યું કે, ભારતીય રાજકારણમાં એક સમયે સૌથી મોટો પક્ષ ગણાતો કોંગ્રેસ આજે માત્ર 3 રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં જ સત્તા પર છે. ભારતીય ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોંગ્રેસ પાસે 10 ટકા પણ સાંસદો નથી, જેના કારણે સંસદમાં વિપક્ષના નેતાની જગ્યા ખાલી પડી છે.