×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન ફરીથી શરૂ કરશે ભારત સાથેનો વેપાર, કાશ્મીરમાં કલમ 370 નાબૂદી બાદ ઠપ્પ હતો ટ્રેડ


- મે 2020માં પાકિસ્તાને ભારતથી આયાત થતી દવાઓ અને રો મટીરિયલ પર લાગેલા પ્રતિબંધ પણ હટાવી લીધા હતા

નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર

ઈમરાન ખાનની કેબિનેટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપારને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક મામલાઓ સાથે સંકળાયેલી કેબિનેટે ભારત સાથેના ટ્રેડને મંજૂરી આપી છે. આ સાથે જ જૂન 2021 સુધીમાં પાકિસ્તાન ફરી ભારતથી કપાસની આયાત કરવા લાગશે. ઉપરાંત પાકિસ્તાન ખાંડને લઈને પણ ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે અને આયાતને મંજૂરી આપી શકે છે. 

ઈકોનોમિક કોર્ડિનેશનની વિનંતી

પાકિસ્તાનની કેબિનેટની ઈકોનોમિક કોર્ડિનેશન કમિટીએ બુધવારે એક અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ભારત સાથેના કપાસ અને ખાંડના વેપારને ફરી શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી. કમિટીના આ રિપોર્ટને મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાન સત્તાવાર રીતે ભારત સાથેનો વેપાર શરૂ કરવાની તૈયારીમાં છે. 

19 મહિનાથી ટ્રેડ બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નારાજગીનું કારણ જગજાહેર છે. વર્ષ 2019ના ઓગષ્ટ મહિનામાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાઈ તેને લઈ પાકિસ્તાન રોષે ભરાયું હતું અને પાકિસ્તાને ભારત સાથેનો ટ્રેડ બંધ કરી દીધો હતો. આ તરફ ભારતે પણ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનથી આવતી તમામ વસ્તુઓ પર 200 ટકા ડ્યુટી લગાવી દીધી હતી. આ કારણે બંને દેશ વચ્ચેનો વેપાર લગભગ ઠપ્પ થઈ ગયો હતો. પાકિસ્તાનને ખાંડ અને કપાસ માટે ભારે મુશ્કેલી પડી રહી છે માટે તેની આયાત માટે તૈયાર થવું પડ્યું છે. 

અગાઉ મે 2020માં પાકિસ્તાને ભારતથી આયાત થતી દવાઓ અને રો મટીરિયલ પર લાગેલા પ્રતિબંધ પણ હટાવી લીધા હતા. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને તે નિર્ણય લીધો હતો જેથી પ્રદેશને દવાઓ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય વસ્તુઓની તંગીનો સામનો ન કરવો પડે.