×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન નહી સુધરે તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક કરીશુઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોની થતી હત્યાને સમર્થન આપતું રહ્યું અને સરહદ વટાવી તો તેના પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક થશે. કેન્દ્રીય પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા પૂંચ પર હુમલો થયો તો ભારતે પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવી દીધું હતું કે ભારતની સરહદ સાથે જરા પણ છેડછાડ કરવામાં આવી તો શું થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે પહેલી વખત ભારત પોતાની સરહદની સુરક્ષા માટે કેટલું સભાન છે તે સાબિત કર્યુ. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ મનોહર પારિકરને બે ચીજ માટે યાદ રાખશે. તેમણે ગોવાને તેમની ઓળખ આપી અને બીજું તેમણે ત્રણેય સેનાઓને વન રેન્ક, વન પેન્શન આપ્યું. અમિત શાહે ગોવામાં ધારબંદોરામાં નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીના શિલાન્યાસ સમારંભમાં આ વાત કહી હતી.તેમણે ઉમેર્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના વલણમાં મહત્ત્વનો ફેરફાર આવ્યો છે. પહેલા દેશની સરહદો ઓળંગીને આતંકવાદી આવતા હતા. ઉગ્રવાદ ફેલાવતા હતા, તેના જવાબમાં દિલ્હી દરબાર તરફથી નિવેદન ઉપરાંત કશું થતું ન હતું. પરંતુ જ્યારે પૂંચમાં હુમલો થયો ત્યારે ભારતે દર્શાવ્યું કે તેની સરહદ પર કાંકરીચાળો કોઈએ કર્યો છે તો તેની ખેર નથી. શાહે જણાવ્યું હતું કે મોદી-પરિકરે નવા યુગનો પ્રારંભ કર્યો. તેમણે બતાવ્યું કે જેવો સવાલ આવે તેવો જવાબ આપવો જોઈએ. તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો કે પાકિસ્તાન જો પોતાની હરકતોમાંથી ઊંચું ન આવ્યું તો તેણે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક માટે તૈયાર રહેવું જોઈએ.