×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન નહીં ભારત સાથે રહેવું છે : પીઓકેમાં લોકોની માગ


- ગિલગિટ-બાલ્ટિસ્તાન, પીઓકેમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા,પાક. વિરોધી સુત્રોચ્ચાર

- પાક. અમારી જમીન હડપીને ચીનને સોપી રહ્યું છે, લોટ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં પણ ભેદભાવ થઇ રહ્યો છે : આંદોલનકારીઓ

- છેલ્લા 12 દિવસથી ચાલતા આંદોલનના વીડિયો આંતરરાષ્ટ્રીય સ્તરે વાઇરલ, અન્ય દેશના લોકો સમર્થનમાં આવ્યા

નવી દિલ્હી : પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન સરકાર ભેદભાવ કરી રહી હોવાથી તેઓ હવે પોતાની સ્વતંત્રતાની લડાઇ માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન  વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ આ પ્રાંતના લોકોએ હવે પોતાને ભારત સાથે ભેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેઓ લદ્દાખમાં ભારતની સાથે ફરી ભળવા માગે છે. 

પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના નાગરિકો ભારતને જ પોતાનો દેશ માનવા લાગ્યા છે. જોકે પાકિસ્તાન સરકાર અને સૈન્ય આ પ્રાંતના લોકોનો અવાજ દબાવવાનો દરેક પ્રયાસ કરી રહ્યા છે.  

આ બન્ને પ્રાંતના નાગરિકો મોટી સંખ્યામાં આંદોલન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હોવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા આ પ્રાંતના લોકોના આંદોલનના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. અને અપીલ કરવામાં આવી છે કે આ પ્રાંતના લોકોની માગણીઓ પર ધ્યાન આપવામાં આવે. એક વીડિયોમાં લોકો પાકિસ્તાન વિરુદ્ધના બેનર સાથે જોવા મળી રહ્યા છે અને ભારતના લદ્દાખ સાથે તેઓને ભેળવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. છેલ્લા સતત ૧૨ દિવસથી પાકિસ્તાનના કબજા વાળા આ બન્ને પ્રાંતમાં લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. 

પાકિસ્તાની સૈન્ય આ વિસ્તારમાં આમ નાગરિકોની જમીન પચાવી રહ્યું છે, મહિલાઓ યુવતીઓ પર ખુલ્લેઆમ બળાત્કાર અને અપહરણની ઘટનાઓ વધી છે. સરકાર, સૈન્ય અને આતંકીઓથી પરેશાન આ વિસ્તારના નાગરિકો હવે ભારતમાં ફરી ભળવા માગે છે. તેઓએ માગણી કરી છે કે લદ્દાખના કારગિલ જિલ્લામાં સકરદૂ કારગિલ રોડને ફરી ખોલવામાં આવે અને લદ્દાખમાં બાલ્ટિસ્તાનના લોકો રહે છે તેમની સાથે મળીને અમને પણ રહેવા દેવામાં આવે. પાકિસ્તાનની સરકાર દ્વારા અમારી જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે. જેને ખાલી કરવામાં આવે અને અમને અમારી જમીનનો અધિકાર સોપવામાં આવે. મોંઘવારીને કારણે અમે ઘઉં કે લોટ પણ નથી ખરીદી શકતા માટે સરકાર અમને સબસિડી આપે અને જીવન જરૂરી વસ્તુઓને સસ્તી કરવામાં આવે. 

ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તારમાં ૨૦૧૫થી જમીનનો વિવાદ વધ્યો છે. સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે આ વિસ્તાર પીઓકેનો જ હિસ્સો હોવાથી આ વિસ્તારમાં આવેલી જમીન અમારી છે. જ્યારે સરકાર દાવો કરી રહી છે કે આ વિસ્તારની જમીન પર પાકિસ્તાન સરકારનો જ પહેલો અધિકાર છે. એવામાં હવે આ પ્રાંતના લોકો પાકિસ્તાન સાથે છેડો ફાડવા માગે છે અને ફરી ભારતમાં ભળવા માગે છે. પાકિસ્તાન આ પ્રાંતમાં આવેલો એક મોટો હિસ્સો ચીનને પ્રોજેક્ટ્સ માટે આપવા જઇ રહ્યું છે. હુંજા ઘાટીને ચીનને સોપવામાં આવી રહી હોવાની જાણકારી મળતા જ લોકો રોષે ભરાયા છે. પાકિસ્તાન પોતાના પર ચીનનું જે દેવુ છે તેને ઓછુ કરવા માટે આ વિસ્તારને ચીનના હવાલે કરવા જઇ રહ્યું છે. આ પ્રાંતમાં ખનીજ પદાર્થો મળી રહ્યા છે. ચીન તેને પોતાના કબજામાં લઇને આ ખનીજનો ઉપયોગ વેપાર માટે કરશે જેને કારણે પણ લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે.