×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાની મરીને છેલ્લા 24 કલાકમાં 13 બોટ સાથે 78 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું


- માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની 10 કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું

અમદાવાદ, તા. 09 ફેબ્રુઆરી, 2022, બુધવાર

પાકિસ્તાન મરીન દ્વારા ફરી એક વખત નાપાક હરકત કરવામાં આવી છે. અરબ સાગરમાં ભારતીય જળસીમા નજીકથી ભારતીય માછીમારોને બોટ સહિત પકડવાનો સિલસિલો હજુ યથાવત જ છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય જળસીમામાંથી 10 બોટ અને 60 માછીમારોના અપહરણ કર્યા છે. અપહરણ કરવામાં આવેલી બોટ પોરબંદર, ઓખા અને માંગરોળની હોવાની શક્યતા જણાઈ રહી છે. 

પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે. એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય માછીમારો અને 1,200 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે. 

પોરબંદરમાં IMBL પાસેથી 2 ભારતીય બોટ અને 16 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીને માછીમારો ભારતીય જળ સરહદમાં હોવા છતાં તેમને માછીમારી ન કરવા માટે સૂચના આપી હતી. તેમનો ભારતીય માછીમારો સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને પાછા વળી જવાનો ઓર્ડર કરી રહ્યા છે. જોકે માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની 10 કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં કુલ 13 ફિશિંગ બોટ અને 78 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે.