×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનમાં પાઠ્યપુસ્તકો દ્વારા ભારત વિરૂદ્ધ નફરતનું સિંચન, હિંદુઓને ગણાવ્યા માનવતાના દુશ્મન…


- બાળકોને તેઓ આપણને પસંદ નહોતા કરતા એટલે જ પાકિસ્તાનનું નિર્માણ કરવું પડ્યું જેવો ખોટો ઈતિહાસ ભણાવાય છે

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ, 2021, સોમવાર

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાનમાં હિંદુસ્તાન વિરૂદ્ધ વ્યવસ્થિત રીતે નફરત ફેલાવવામાં આવી રહી છે અને પાકિસ્તાન પોતાના ભારત સાથેના સંબંધો સુધારવા માટે ગંભીર નથી. આ વીડિયોમાં અનેક પાકિસ્તાની હિંદુઓએ પોતાની આપવીતી જણાવી હતી. 

પાકિસ્તાની હિંદુઓએ મિત્રો અને સમાજની કેવી-કેવી વાતો સાંભળવી પડે છે તે અનુભવ શેર કર્યો હતો. ઉપરાંત તેમણે પાકિસ્તાનની શાળાના પુસ્તકોમાં એન્ટી ભારત અને એન્ટી હિંદુ પ્રોપાગાન્ડા ચલાવવામાં આવે છે અને શાળા સ્તરેથી જ બાળકોને હિંદુસ્તાન વિરૂદ્ધ ભડકાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. 

પાકિસ્તાન સ્ટડીઝના ઈન્ટરમીડિએટના પુસ્તકમાં હિંદુ સમાજની સંકુચિત માનસિકતાના કારણે તેમનું પતન થયું છે અને તેઓ મહિલાને નીચું સ્થાન આપે છે, હિંદુ ધર્મમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે વગેરે વાતો લખેલી છે. 10મા ધોરણના એક પુસ્તકમાં હિંદુઓ અને મુસ્લિમોએ અનેક આંદોલનમાં સાથે મળીને કામ કર્યું હતું પરંતુ હિંદુઓની મુસ્લિમો સામેની દુશ્મની સામે આવી ગઈ માટે તે લાંબુ ન ચાલ્યું તેવો ઉલ્લેખ છે. 

સિંધ ટેક્સ્ટ બુક બોર્ડના 11મા અને 12મા ધોરણના પુસ્તકમાં માનવતાના દુશ્મન હિંદુઓ અને શીખોએ લાખો મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને યુવાનોને ખરાબ રીતે અપમાનિત કરીને તેમની નિર્દયતાથી હત્યા કરી હતી તેમ લખેલું છે. બલૂચિસ્તાન પ્રાંતના 5મા ધોરણના ઈતિહાસના પુસ્તકમાં હિંદુઓ કાફિર હોય છે જેમણે મુસ્લિમોને માર્યા, તેમની સંપત્તિ છીનવી, તેમને ભારત છોડીને જવા મજબૂર કર્યા, તેઓ આપણને પસંદ નહોતા કરતા એટલે જ પાકિસ્તાનનું નિર્માણ કરવું પડ્યું વગેરે વાતો લખેલી છે. 

2011ના વર્ષમાં અમેરિકન સરકારે એક સર્વે કરાવ્યો હતો જેમાં પાકિસ્તાનના પાઠ્યપુસ્તકો હિંદુઓ અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યકો વિરૂદ્ધ પૂર્વગ્રહ અને નફરત ફેલાવે છે તેમ સામે આવ્યું હતું.