×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાંચ વર્ષમાં અદાણી જૂથમાં મોરેશિયસ અને અન્ય ટેક્સ હેવન કંપનીઓએ રૂ.20,800 કરોડ રોક્યા


- વધુ એક ધડાકો : અદાણી જૂથમાં વિદેશી મૂડીરોકાણ શેલ કંપનીઓએ જ કર્યું છે

- વિનોદ અદાણી અને તેના સાથીદારો સતત અદાણી જૂથમાં રોકાણ કરી રહ્યા છે : 2017ના એક જ વર્ષમાં અદાણી પોર્ટને 165 શેલ કંપનીઓથી રોકાણ મળ્યું

અમદાવાદ : હિન્ડેનબર્ગ અહેવાલમાં અદાણી જૂથની ભારતમાં લીસ્ટેડ કંપનીઓમાં જૂથની સાથે જ જોડાયેલા કે જૂથની માલિકીની જ કંપનીઓ થાકી નાણાકીય હેરફેર થતી હોવાના, હવાલ થતા હોવાના અહેવાલ બાદ આજે બ્રિટીશ અખબાર ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સે એક વધુ મોટો ધડાકો કર્યો છે. અખબારના અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં અદાણી જૂથમાં આવેલા કુલ સીધા વિદેશી મૂડીરોકાણમાં લગભગ અડધા જેટલું રોકાણ મોરેશિયસ અને દુબઈ સ્થિત જૂથની માલિકીની જૂથના પ્રમોટરની માલિકીની કંપનીઓ કે ફંડ્સ દ્વારા જ રોકાણ કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીઓમાં લગભગ રૂ.૨૦,૮૦૦ કરોડ જેટલું વિદેશી મૂડીરોકાણ આ કંપનીઓ દ્વારા થયું છે.

આ અહેવાલ અનુસાર ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણના આંકડાઓના આધારે અદાણી જૂથમાં કુલ ૫.૭ અબજ ડોલર (રૂ.૪૫,૬૦૦ કરોડ)નું રોકાણ થયું છે તેમાંથી ૪૫.૪ ટકા કે ૨.૬ અબજ ડોલર (રૂ.૨૦,૮૦૦ કરોડ)ની રકમ અદાણી સાથે જોડાયેલી, ટેક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓએ કર્યું છે. અહેવાલ વધુમાં નોંધે છે કે ભારતમાં રીઝર્વ બેંક અને સીધા વિદેશી મૂડીરોકાણના આંકડાઓ માત્ર એક ચોક્કસ સીમાથી ઉપરનું રોકાણ જ નોંધતા હોવાથી, શેરોમાં આવતું પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ નહી નોંધતા હોવાથી કુલ આંક ઘણો વધારે હોય છે.

અદાણી જૂથમાં બે સૌથી મોટા વિદેશી મૂડીરોકાણની રકમ સીધી કે પરોક્ષ રીતે ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી સાથે જોડાયેલી કંપનીઓ થાકી આવી છે. વિનોદ અદાણી સાયપ્રસના પાસપોર્ટ ઉપર દુબઈમાં વસવાટ કરે છે. વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં વિનોદ અદાણીના ફંડ્સમાં જ રોકાણ કરતી ઈમર્જીંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ડીએમસીસીએ ૬૩.૧ કરોડ ડોલર અદાણીની કંપનીઓમાં રોક્યા છે. એવી જ રીતે મોરેશિયસ સ્થિત ગાર્ડેનિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વતી બીજા ૭૮.૨ કરોડ ડોલર અદાણી કંપનીઓમાં ૨૦૨૧ અને ૨૦૨૨માં આવ્યા છે. આ ફંડ્સની માલિકી વિનોદ અદાણી સાથે જોડાયેલ સુબીર મિત્રાની છે. અદાણી જૂથની કંપનીઓમાં વિદેશી મૂડીરોકાણ કરનાર મોટાભાગની શેલ કંપનીઓએ પોતે પ્રમોટર જૂથની હોવાની જાહેરાત કરી છે. એનો સીધો મતલબ છે કે આ કંપની અદાણી જૂથની માલિકીની છે અથવા તો તેના પ્રમોટરના કુટુંબની કોઈ વ્યક્તિની મલિકીની છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ની વચ્ચે આવેલા કુલ રૂ.૨૦,૮૦૦ કરોડના રોકાણમાંથી ચોથા ભાગની રકમ માત્ર એક જ વર્ષ (૨૦૧૭)માં આવી છે. આ વર્ષમાં ૪૦ લાખ ડોલરથી નીચેની રકમમાં ૧૬૫ જેટલી શેલ કંપનીઓએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું છે જેમાંથી મોટાભાગની રકમ અદાણી પોર્ટમાં આવી હોવાનું આ અહેવાલ જણાવે છે.

સૌથી મોટી વાત છે કે અદાણી જૂથમાં આવેલા સીધા વિદેશી મૂડીરોકાણનો હિસ્સો ક્યારેક દેશમાં આવેલા કુલ રોકાણમાં સૌથી મોટો હિસ્સો પણ હતા. વર્ષ ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં દેશમાં આવેલા કુલ વિદેશી મૂડીરોકાણમાં અદાણી જૂથમાં આવેલી રકમનો હિસ્સો ૨૩ ટકા જેટલો હતો.

વિદેશી રોકાણમાં શેલ કંપનીઓનો હિસ્સો વધારે પણ હોય શકે

ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણના આંકડાઓમાં શેરબજાર થકી આવતા વિદેશી પોર્ટફોલિયોના રોકાણની રકમનો સમાવેશ થતો નથી. વિદેશી મૂડીરોકાણની માહિતી અને આંકડાઓ કેન્દ્ર સરકાર અને રીઝર્વ બેંક એકત્ર કરે છે જયારે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ અંગે માહિતી શેરબજારના નિયમનકર સેબી દ્વારા એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત, કંપનીની મૂડીના ૧૦ ટકા કરતા ઓછી રકમનું રોકાણ જો આવ્યું હોય તો તેનો ડેટા જાહેરમાં જોવા મળતો નથી. આથી શક્ય છે કે અદાણી જૂથમાં આવેલું કુલ રોકાણ અહેવાલના અંદાજ કરતા પણ વધારે હોય શકે છે.