×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાંચ રાજ્યોમાં મતદાન, બંગાળમાં ટીએમસી-ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પાંચ ઉમેદવાર ઘાયલ


ચાર રાજ્યોમાં બધા તબક્કા પૂર્ણ, માત્ર બંગાળમાં પાંચ તબક્કા બાકી

બંગાળમાં 77.68, કેરળમાં 70.04, આસામમાં 82.29, પુડ્ડુચેરીમાં 78.13, તમિલનાડુમાં 65.77 ટકા મતદાન

હુગલીમાં ભાજપ સમર્થક પરિવારના એક વ્યક્તિનું હુમલામાં મોત 

ટીએમસી નેતાના ઘરે ઇવીએમ, વીવીપીએટી મશીન મળી આવ્યા, સ્થાનિક ચૂંટણી અધિકારી સસ્પેન્ડ કરાયા

કોલકાતા : મંગળવારે બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઇ ગયું હતું, કેરળ, પુડ્ડુચેરી અને તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું, તેવી જ રીતે આસામના અંતિમ ત્રિજા તબક્કા માટે જ્યારે બંગાળના આઠમાંથી ત્રીજા તબક્કા માટે મતદાન યોજાઇ ગયું હતું.

હિંસાની નાની મોટી ઘટનાઓ વચ્ચે મતદારોએ કોરોના મહામારી છતા મતદાનમાં રસ દાખવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ઘરોની બહાર નીકળી મત આપ્યા હતા. 

પ્રાપ્ત આંકડા અનુસાર આસામમાં 82.29 ટકા, કેરળમાં 70.04 ટકા, પુડ્ડુચેરીમાં પણ 78.13 ટકા, તમિલનાડુમાં 65.11 ટકા અને પ. બંગાળમાં 77.68 ટકા મતદાન થયું હતું.

જોકે બંગાળમાં આ તબક્કામાં પણ હિંસાની ઘટનાઓ સામે આવી હતી જેમાં બે મહિલાઓ સહિત પાંચ ઉમેદવારો ઘવાયા હતા. અહીં વિરોધી પક્ષોના સમર્થકો અને કાર્યકર્તાઓ વચ્ચે સામસામે મારામારી થઇ હતી જે બાદમાં હિંસામાં ફેરવાઇ ગઇ હતી. અહીં 31 બેઠકો પર આશરે 77.68 ટકા મતદાન યોજાયું હતું.

પાંચમાંથી ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે અને માત્ર પ. બંગાળના બાકી પાંચ તબક્કા માટે મતદાન યોજાતું રહેશે, જ્યારે પાંચેય રાજ્યોના પરીણામો આગામી બીજી મેના રોજ જાહેર કરવામાં આવશે. જેમાં સૌની નજર પ. બંગાળ પર રહેશે જ્યાં ટીએમસી અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.  

બંગાળના આરમબાગ વિસ્તારમાં ટીએમસીના ઉમેદવાર સુજાતા મોંડલ પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. અહીં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે સામસામે હિંસા થઇ હતી, જેને પગલે આ કેસમાં ટીએમસીના ત્રણ અને બે ભાજપના કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના ગુંડાઓ ટીએમસીના એજન્ટોને મતદાન બૂથમાં નથી પ્રવેશતા દેતા. જ્યારે ભાજપે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી ઉમેદવાર પોતાના ગુંડાઓની સાથે આ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. 

આ જ પ્રકારનો હુમલો ઉલુબેરિયા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પપીયા અિધકારી પર થયો હતો. પોલીસ આ હુમલામાં સામેલ લોકોની તપાસ કરી રહી છે. ભાજપના ઉમેદવાર સ્વપન દાસગુપ્તા પર પણ હુમલો થયો હતો જે માટે તેમણે ટીએમસીને જવાબદાર ઠેરવી હતી. 

જ્યારે ટીએમસીના ઉમેદવાર ડો. નિર્મલ માજીએ દાવો કર્યો હતો કે મારા પર ભાજપ કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. ત્રીજા તબક્કા દરમિયાન ભાજપ અને ટીએમસી બન્નેના મળી પાંચ જેટલા ઉમેદવારો પર હુમલા થયા હતા. 

ચૂંટણી પંચે ચૂંટણી સંબંધી હિંસાઓની ઘટનાનો રિપોર્ટ પોતાના અિધકારીઓની પાસેથી માગ્યો છે. જ્યારે હુઘલી જિલ્લામાં એક ભાજપ સમર્થકના પરિવારના સભ્યનું મોત નિપજ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલા પોતાના પુત્ર પર થયેલા હુમલામા ંતેને બચાવવા જતા ઘવાઇ હતી જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. આ હુમલો કોણે કર્યો તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. જોકે આ વિસ્તારમાં બાદમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.  બીજી તરફ બંગાળના ઉલુબેરિયા વિસ્તારમાં ટીએમસીના નેતાના ઘરેથી ઇવીએમ અને વીવીપીએટી મશીન મળી આવ્યા હતા.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચૂંટણીના ઇન્ચાર્જ ઓફિસર દ્વારા આ મશીન ટીએમસી નેતાના ઘરે લઇ જવામાં આવ્યા હતા જેને પગલે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ મશિનને બાદમાં મતદાન માટે ઉપયોગમાં નહોતા લેવામાં આવ્યા અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા. 

ભારત-બાંગ્લાદેશ સરહદે એક માત્ર પોલિંગ સ્ટેશન

ડુબરી, તા. 6

આસામમાં મંગળવારે ત્રીજા અંતિમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. એવામાં આસામની ચૂંટણીમાં એક મતદાન મથક ભારે ચર્ચામાં રહ્યું, ભારત-બાંગ્લાદેશ સરહદે આવેલી તાર ફેંસિંગ બહાર એક મતદાન મથક તૈયાર કરાયું હતું. અહીંના સરહદી વિસ્તારમાં રહેતા આશરે 386 મતદારો માટે આ મથક ઉભુ કરાયું હતું. ગૌરીપુર વિસ્તારના ભોગદાંગામાં આવેલા આ મતદાન મથક પર લોકોએ મત આપ્યા હતા. 

આ મતદાન મથક ખાસ એટલા માટે પણ માનવામાં આવે છે કેમ કે તે સૌથી ઓછા માત્ર 386 મતદારો માટે અને ખાસ કરીને બાંગ્લાદેશ સરહદે તાર ફેસિંગ પાસે લગાવવામાં આવ્યું હતું. અહીંના મોટા ભાગના પોલિંગ સ્ટેશન તાર ફેસિંગની અંદર હોય છે પણ આ એક માત્ર એવુ મથક છે કે જે સરહદની આ તાર ફેસિંગની બહાર લગાવવામાં આવ્યું હતું.