×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પહેલી વખત સરકારે સ્વીકાર્યું- 'ઓક્સિજન શોર્ટેજના કારણે થયા હતા મૃત્યુ', કોરોનાની બીજી લહેર અંગે આપ્યો રિપોર્ટ


- થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે સંસદમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારો દ્વારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે તેમાં ક્યાંય નથી કહેવામાં આવ્યું કે, કોઈ દર્દી ઓક્સિજનની તંગીના કારણે મૃત્યુ પામ્યા છે

નવી દિલ્હી, તા. 11 ઓગષ્ટ, 2021, બુધવાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની તંગીના કારણે કોરોનાની બીજી લહેર દરમિયાન કેટલાક લોકોના મોત થયા હતા. સરકારના કહેવા પ્રમાણે બીજી લહેર દરમિયાન કેટલાક દર્દીઓ જેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા તેમના મૃત્યુ આ કારણે જ થયા હતા. 

કેન્દ્ર સરકારે પહેલી વખત સ્વીકાર્યું છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓએ જીવ ગુમાવ્યો. કેનદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે 9 ઓગષ્ટ, 2021ના રોજ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા આ જાણકારી સોંપવામાં આવી છે જેને હવે સંસદના માધ્યમથી જણાવવામાં આવી રહી છે. 

સરકારે સંસદમાં જણાવ્યું હતું કે, આંધ્ર પ્રદેશ સરકારના કહેવા પ્રમાણે 10 મે, 2021ના રોજ SVRR હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા કેટલાક દર્દીઓના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે, ઓક્સિજન ટેન્ક અને બેકઅપ સિસ્ટમમાં ફેરફારની વચ્ચે ઓક્સિજન લાઈનમાં પ્રેશર ઘટવાથી દર્દીઓને તકલીફ પડી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે સંસદમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારો દ્વારા જે આંકડાઓ આપવામાં આવ્યા છે તેમાં ક્યાંય નથી કહેવામાં આવ્યું કે, કોઈ દર્દી ઓક્સિજનની તંગીના કારણે મૃત્યુ પામ્યા છે. 

જોકે રાજ્ય સરકારોએ સ્વીકાર્યું છે કે, બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ભારે તંગી હતી. પરંતુ કોઈ દર્દીના મૃત્યુ પાછળ તેને કારણ નહોતું માનવામાં આવ્યું. સરકારના આ જવાબ પર ખૂબ જ હોબાળો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. જ્યારે ભાજપના કહેવા પ્રમાણે કેન્દ્રએ ફક્ત એ જ રિપોર્ટ આપ્યો છે જેના આંકડા રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવ્યા છે.