×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પહેલી વખત કોરોનાથી એક જ દિવસમાં 4529 લોકોના મોત


- નવા 2.67 લાખ કેસ સાથે કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો

- કેન્દ્ર રાજ્યોને મે-જુનમાં કોરોના રસીના ૫ કરોડથી વધુ ડોઝ મફત આપશે, રસીકરણ વધુ ઝડપી બનાવાશે

- દિલ્હીમાં નવા માત્ર 3846 કેસો આવ્યા : કોરોનાથી સાજા થયાના ત્રણ મહિના બાદ જ રસી લેવી જોઇએ : કેન્દ્ર

- પહેલી વખત એક જ દિવસમાં 20 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ, કુલ ટેસ્ટનો આંકડો 32 કરોડને પાર પહોંચ્યો

નવી દિલ્હી : કોરોના વાઇરસને કારણે છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૪૫૨૯ લોકોના મોત થયા છે. આ પહેલા એક જ દિવસમાં આટલા મોત કોરોનાને કારણે નથી થયા. જેને પગલે હવે કોરોનાથી મોતને ભેટનારાની સંખ્યા પણ વધીને ૨.૮૩ લાખે પહોંચી ગઇ છે. જ્યારે ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૬૭ લાખ કેસ સામે આવ્યા છે. તેથી કુલ કેસોનો આંકડો પણ હવે ૨.૫૪ કરોડે પહોંચી ગયો છે. 

બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે ૩૨.૨૬ લાખે પહોંચી ગયા છે. જે ટોટલ ઇંફેક્શનના ૧૨.૬૬ ટકા છે. જ્યારે રિકવરી રેટ વધીને ૮૬.૨૩ ટકાએ પહોંચી ગયો છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે લોકોને કોરોના થયો હોય અથવા જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને પછી કોરોના થયો તેવા લોકોએ સાજા થઇ ગયાના ત્રણ મહિના પછી રસી લેવી જોઇએ. મંત્રાલયે કહ્યું છે કે જ્યાં સુધી કોરોનામાંથી બહાર ન આવો અને સંપૂર્ણપણે સ્વસ્થ ન થઇ જાવ ત્યાં સુધી રસી ન લેવી જોઇએ અને સાજા થઇ ગયાના ત્રણ માસ બાદ જેને બાકી હોય તેઓએ પ્રથમ ડોઝ લેવો જોઇએ.

સાથે સરકારે એમ પણ કહ્યું છે કે જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને પછી કોરોના થયો હોય તો તેવા સંજોગોમાં પણ સંપૂર્ણ સાજા થઇ ગયા પછી ત્રણ મહિના બાદ જ બીજો ડોઝ લેવો જોઇએ. કેન્દ્ર સરકારે કહ્યું છે કે પહેલી મેથી ૧૫મી જુન સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોને કેન્દ્ર તરફથી કોરોના રસીના ૫.૮૬ કરોડ ડોઝ ફ્રીમાં આપવામાં આવશે. હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે એવામાં કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી છે. 

દરમિયાન કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે. પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક ૨૦ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને ૧૩.૩૧ ટકાએ પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૩૨ કરોડ સેંપલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પાંચમી એપ્રીલ બાદ સૌથી નીચા માત્ર ૩૮૪૬ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ ૨૩૫ લોકોના મોત થયા છે અને રાજ્યનો પોઝિટિવિટી રેટ પણ ઘટીને ૫.૭૮ ટકાએ પહોંચી ગયો છે.