×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનો હંગામો, લગાવ્યા જય શ્રી રામના નારા

પશ્ચિમ બંગાળ,તા.2 જુલાઈ 2021,શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ચાલી રહેલી રાજકીય હિંસાના પડઘા આજે વિધાનસભામાં પડ્યા હતા. રાજ્યપાલ જગદીપ ધનખડના ભાષણ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો અને ધારાસભ્યોએ વિધાનસભામાં જયશ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

ભાજપના ધારાસભ્યોએ ભાજપના કાર્યકરો સામે થઈ રહેલી હિંસાના વિરોધમાં વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. જોકે આજથી શરૂ થયેલા વિધાનસભા સત્રમાં એ પહેલા રાજ્યપાલના ભાષણ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ધનખડ માંડ ચારેક મિનિટ બોલી શક્યા હતા અને તેમણે પોતાનુ ભાષણ અટકાવવુ પડ્યુ હતુ.

હંગામા કરી રહેલા ભાજપના ધારાસભ્યોના હાથમાં હિંસાનો શિકાર બનેલા લોકોની તસવીરો હતી. વિપક્ષના નેતા શુવેન્દ્રૂ અધિકારીએ કહ્યુ હતુ કે, ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા એક મોટો મુદ્દો છે અને આ લડાઈ ચાલુ રહેશે. રાજ્યપાલના ભાષણની જે કોપી ધારાસભ્યોને આપવામાં આવી હતી તેમાં હિંસાનો કોઈ ઉલ્લેખ નહોતો. જેના કારણે અમારે હંગામો મચાવવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામ બાદ શરૂ થયેલી હિંસા પર ભાજપ અગાઉ પણ સવાલો ઉઠાવી ચુકી છે અને પોલીસ પર મૂક પ્રેક્ષક બની રહેવાનો આરોપ પણ લગાવ્યો છે. જ્યારે બંગાળની મમતા સરકાર તો હિંસાની ઘટનાઓને જ નકારી રહી છે. બીજી તરફ હાઈકોર્ટે આ મુદ્દે મમતા બેનરજી સરકાર સામે લાલ આંખ કરેલી છે.