×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પરિવર્તન બંગાળમાં નહીં દિલ્હીમાં થશે, મોદી-શાહ 'મોટા ખંડણીખોર' છે : મમતા


(પીટીઆઈ) સિલિગુડી, તા. ૭

બંગાળમાં વડાપ્રધાન મોદીના આક્ષેપો સામે મુખ્યમંત્રી મમતા બેનરજીએ સિલિગુડીમાં મહિલાઓ સાથે વિશાળ પદયાત્રા યોજી ભાજપ અને પીએમ મોદી પર વળતો હુમલો કર્યો હતો. મમતાએ 'વિશ્વ મહિલા દિન' પૂર્વે જ મહિલાઓ સાથે ગેસ સિલિન્ડર લઈને પદયાત્રા યોજી હતી. મમતા બેનરજીએ મોદી સરકારને દેશમાં વધતી મોંઘવારી મુદ્દે ઘેરી હતી. વધુમાં બંગાળમાં પરિવર્તન આવશે તેવા પીએમ મોદીના દાવાના જવાબમાં મમતાએ કહ્યું કે પરિવર્તન તો ચોક્કસ આવશે, પરંતુ તે બંગાળ નહીં દિલ્હીમાં આવશે. બંગાળમાં મમતા સરકાર પર સિન્ડિકેટ ચલાવવાના આરોપમાં મમતાએ કહ્યું આખો દેશ જાણે છે કે સિન્ડિકેટ તો મોદી અને શાહની ચાલે છે. મમતાએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને 'મોટા ખંડણીખોર' ગણાવ્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજીએ દેશમાં રાંધણ ગેસના વધતા ભાવોના વિરોધમાં સિલિગુડીમાં મહિલાઓ સાથે વિશાળ પદયાત્રા યોજી હતી. મમતાએ કહ્યું કે, પરિવર્તન દિલ્હીમાં થશે, બંગાળમાં નહીં. દેશમાં વધતી મોંઘવારીના મુદ્દે મોદી સરકારને ઘેરતાં મમતા બેનરજીએ જણાવ્યું કે, ભાજપ રાંધણ ગેસના ભાવ વધારીને લોકોને લૂંટી રહ્યો છે. મોંઘવારીના મારનો સૌથી વધુ ભોગ મહિલાઓએ બનવું પડે છે. સરકાર ઈચ્છતી જ નથી કે, ટેક્સમાં કાપ મૂકાય અને લોકો ઉપરનો બોજ હળવો થાય. 

મમતા બેનરજીની પદયાત્રામાં સેંકડો મહિલાઓ જોડાઈ હતી. મમતાએ દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં જ રાંધણ ગેસ સામાન્ય માણસની પહોંચ બહાર થઈ જશે. સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે, પરંતુ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ આકાશને આંબી રહ્યા છે.

બંગાળમાં સિન્ડિકેટ ચલાવવાના વડાપ્રધાનના આક્ષેપના જવાબમાં તૃણમૂલ કોંગ્રેસના વડાંએ જણાવ્યું કે, આખો દેશ જાણે છે કે સિન્ડિકેટ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલે છે. મોદી અને શાહ દેશના 'સૌથી મોટા ખંડણીખોર' છે. તેઓ જાહેર ક્ષેત્રના એકમો વેચીને કેવી રીતે રૂપિયા ભેગા કરે છે તે જાહેર થવું જોઈએ તેવી પણ મમતા બેનરજીએ માગણી કરી હતી. મમતા બેનરજીએ જણાવ્યું કે ચૂંટણીવાળા રાજ્યોમાં વડાપ્રધાન મોદી અગણિત જુઠ્ઠાણાં બોલીને મતદારોને ગેરમાર્ગે દોરે છે. મોદીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પ્રત્યેક નાગરિકના ખાતામાં રૂ. ૧૫ લાખ જમા કરાવવાનું વચન આપ્યું હતું. તેમણે સવાલ કર્યો કે, રેલવે, એર ઈન્ડિયા, કોલ ઈન્ડિયા લિ. વેચીને તમે કેટલા રૂપિયા ભેગા કર્યા છે? ચૂંટણી પહેલાં તેઓ ઉજ્જવલાની માળા જપે છે અને ચૂંટણી પછી તેને 'જુમલા'માં પરિવર્તિત કરી દે છે. ઉજ્જવલા યોજનાના ભ્રષ્ટાચારમાં કેટલા રૂપિયા ભેગા કર્યા તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. 

વડાપ્રધાને બંગાળમાં મહિલાઓ સલામત નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. જવાબમાં મમતાએ કહ્યું કે, બંગાળમાં તો મહિલાઓ એકદમ સુરક્ષિત છે. તમે જરા ઉત્તર પ્રદેશ, બિહાર અને ભાજપ શાસિત અન્ય રાજ્યોને જૂઓ ત્યાં મહિલાઓ પર અત્યાચારો થઈ રહ્યા છે. મમતા બેનરજીએ જણાવ્યું કે, 'ખેલા હોબે... અમે રમવા માટે તૈયાર છીએ. હું વન ઓન વન રમવા તૈયાર છું. જો ભાજપ વોટ ખરીદવા માગતો હોય તો, રૂપિયા લે અને તૃણમૂલ કોંગ્રેસને વોટ આપે.' તેમણે જણાવ્યું કે આપણે આપણો અવાજ ઉઠાવવા અને સરકારને સંભળાવવા માટે વ્યાપક સ્તરે દેખાવો કરવા પડશે.