×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પટિયાલા હિંસાઃ CM માન એક્શનમાં, IG-SSPને હટાવ્યા, સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ


- હિંદુ સંગઠનોએ આજે પટિયાલા બંધ રાખવા માટે આહવાન આપ્યું, કાલી માતાના મંદિર પર હુમલો કરનારા દોષીઓની ધરપકડ કરવાની માગણી

પટિયાલા, તા. 30 એપ્રિલ 2022, શનિવાર

પટિયાલા ખાતે ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ દરમિયાન શિવસેનાના કાર્યકરો અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે શુક્રવારના રોજ થયેલી અથડામણ બાદ શહેરમાં તણાવ વ્યાપ્યો છે. આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પટિયાલામાં 9:30થી 6:00 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. પંજાબ સરકારના ગૃહ વિભાગે અફવાઓ ફેલાતી અટકાવવા માટે આદેશ બહાર પાડ્યા છે. જ્યારે પટિયાલા IG રાકેશ અગ્રવાલને હટાવાયા બાદ સીનિયર SP અને સિટી SPને પણ હટાવી દેવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, મુખવિંદર સિંહ ચિન્નાને પટિયાલાના નવા IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે દીપક પારિકને પટિયાલાના સીનિયર SP અને વજીર સિંહને પટિયાલાના નવા SP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં 10 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. 

હિંદુ સંગઠનો દ્વારા પટિયાલા બંધનું આહવાન

હિંદુ સંગઠનોએ આજે પટિયાલા બંધ રાખવા માટે આહવાન આપ્યું છે. આ સાથે જ કાલી માતાના મંદિર પર હુમલો કરનારા દોષીઓની ધરપકડ કરવાની માગણી સાથે ધરણાં અને રોષ માર્ચનું પણ આહવાન કર્યું છે. હિંદુ સંગઠનની આ પ્રકારની જાહેરાત બાદ શહેરમાં સાવધાનીના પગલારૂપે મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. 

હિંદુ સંગઠનો એવા ખાલિસ્તાન સમર્થકોની ધરપકડની માગણી કરી રહ્યા છે જેમણે કાલી માતાના મંદિરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો હતો અને પરિસરની આજુબાજુ પથ્થરમારો કર્યો હતો.