×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબ સરકારે કોરોના વેક્સીનના 42000 ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા, જાણો શું છે વિવાદ

પંજાબ,તા.5 જૂન 2021,શનિવાર

દેશમાં કોરોના વેક્સીનની અછતની બૂમો વચ્ચે પંજાબ સરકારે વેક્સીનના 42000 ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચી દીધા હોવાના વિવાદના પગલે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે વિપક્ષે વેક્સીન વેચવાના લગાવેલા આરોપ બાદ પંજાબ સરકારે શુક્રવારે સાંજે કહ્યુ હતુ કે, ખાનગી હોસ્પિટલોને અપાયેલી વેક્સીન પાછી લેવામાં આવશે. પંજાબમાં અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે ગુરૂવારે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં વેક્સીનની અછત છે અને લોકોને મફતમાં વેક્સીન આપવાની જગ્યાએ સરકાર વેક્સીન ખાનગી હોસ્પિટલોને વેચી રહી છે. સરકારને કોવેક્સીનનો એક ડોઝ 400 રૂપિયામાં મળે છે અને બીજી તરફ પ્રાઈવેટ હોસ્પિટલોને તે 1060 રૂપિયામાં સરકાર વેચી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલો લોકો પાસે એક ડોઝ મુકવાના 1500 રૂપિયા ચાર્જ કરી રહી છે.

બાદલે કહ્યુ હતુ કે, પ્રતિ પરિવાર એક ડોઝ માટે 6000 થી 9000 રૂપિયા ખર્ચ આવી રહ્યો છે. મોહાલીમાં જ એક દિવસમાં 35000 ડોઝ ખાનગી હોસ્પિટલોને વેચવામાં આવ્યા હતા. વેક્સીનમાંથી નફો કમાવવાની હરકત યોગ્ય નથી. રાહુલ ગાંધીએ કહેવુ જોઈએ કે તેઓ પંજાબ સરકારની આ કાર્યવાહીનુ સમર્થન કરે છે? લોકો વેકસીનના એક ડોઝ માટે 1560 રૂપિયા ખર્ચે તે રાહુલ ગાંધીને યોગ્ય લાગે છે ?

બાદલે આ મામલાની હાઈકોર્ટ દ્વારા તપાસ કરાવવા માટે માંગ કરીને કહ્યુ હતુ કે, રાજ્યના આરોગ્ય મંત્રી સામે કેસ થવો જોઈએ. આ ગોટાળાને પણ કોંગ્રેસના જ એક નેતાએ એક્સપોઝ કર્યો છે. જેમણે હાલમાં તમામ માટે મફત વેક્સીનની માંગણી કરી હતી.

એ પછી પંજાબ સરકારે તમામ સ્ટોક પાછો લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. કોંગ્રેસે કહ્યુ હતુ કે, પ્રાઈવેટ હોસ્પિટલોને અપાયેલા 42000 ડોઝમાંથી 600 જ ડોઝ ઉપયોગમાં લેવાયા છે અને બાકીના ડોઝ પાછા લેવામાં આવશે. પણ કેન્દ્ર સરકાર રાજ્યને અપાયેલા ખરાબ વેન્ટિલેર કયારે પાછા લશે અને માફી માંગશે તેનો જવાબ આપે.

દરમિયાન કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે પંજાબ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવાએ પણ કેપ્ટન અમરિન્દરસિંહને પત્ર લખીને કહ્યુ છે કે, રાજ્ય સરકાર વેક્સીન વેચવાના મામલાની તપાસ કરાવે અને તેના માટે જે પણ જવાબદાર છે તેની સામે આકરી કાર્યવાહી કરે.